અકસ્માત:ચિખલીના આછવણીથી ઉનાવા ખાતે દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને ભરુચ નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો, નવ યાત્રાળુ ઇજાગ્રસ્ત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરુચ-અંકલેશ્વર વચ્ચે મૂલદ બ્રિજ નજીક હાઇવે પર એસ.ટી.બસ લોખંડના પોલ સાથે ભટકાઇ
  • અકસ્માતની ઘટનામાં એસ.ટી.બસના ચાલક, કંડક્ટર સહિત નવ યાત્રાળુઓને ઇજાઓ પહોંચી

શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતાં અકસ્માત નડ્યાની છેલ્લા 24 કલાકમાં બે ઘટના સામે આવી છે. શુક્રવારે યાત્રાધામ અંબાજી દર્નાર્થે જતા પગપાળા સંઘને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં પાંચ પૈકી ત્રણ યાત્રાળુઓના મોત થયા હતાં, જ્યારે આજે ચિખલીના આછવણીથી ઉનાવા ખાતે દર્શન માટે જતાં દર્શનાર્થીઓને ભરુચ નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો છે. ભરુચ-અંકલેશ્વર વચ્ચે મૂલદ બ્રિજ નજીક હાઇવે ઉપર એસ.ટી.બસનું વ્હીલ પડેલા મસમોટા ખાડામાં ખાબકતાં ચાલકનું સ્ટેયરિંગ પર કાબૂ ન રહેતા બસ દિશા સૂચક બોર્ડના લોખંડના પોલ સાથે ભટકાતાં એસ.ટી.બસના ચાલક અને કંડક્ટર સહિત નવ શ્રદ્ધાળુઓને ઇજાઓ પહોંચી હતી.

ચિખલી તાલુકાનાં સતાડીયા ગામમાં રહેતા કનુભાઈ બાગુલભાઈ પટેલ બીલીમોરા ડેપોમાં એસ.ટી.બસના ચાલક તરીકે ફરજ બજાવે છે. જેઓ ગતરોજ સાંજના સમયે એસ.ટી.બસ નંબર (GJ-18-Z-3792)માં કંડક્ટર શાંતિલાલ મોહન પટેલ સાથે ચિખલીના આછવણી ગામથી 33 શ્રદ્ધાળુઓને લઈ ઉનાવા ખાતે જઈ રહ્યા હતા.

આ દરમિયાન અંકલેશ્વર-ભરુચ નેશનલ હાઇવે ઉપર આવેલ મૂલદ બ્રિજ નજીક માર્ગ પર વરસાદી માહોલમાં હાઇવે પડેલ મસમોટા ખાડામાં વ્હીલ પડતાં ચાલકનો સ્ટેયરિંગ ઉપર કાબૂ ન રહેતા એસ.ટી.બસ વડોદરા તરફ જવાના નિર્દેશ કરતાં બોર્ડના લોખંડના પોલ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ચાલક આગળના ભાગે દબાઈ ગયો હતો, જ્યારે કંડકટર સહિત નવ જેટલા શ્રદ્ધાળુઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર અર્થે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ઝઘડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શુક્રવારે અંબાજી જતાં પગપાળા સંઘને અકસ્માત નડ્યો

શુક્રવારે કેટલાક પદ યાત્રિકો પગપાળા અંબાજી માતાજીના ધામે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રાણપુર પાસે ફુલ સ્પીડે આવી રહેલા એક વાહને કેટલાક પદ યાત્રાળુંઓને ટક્કર મારતાં 3 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે બે યાત્રાળુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...