આપનું ઝાડું ચાલ્યું:ભરૂચ-નર્મદાનો નવો અધ્યાય - ભાજપ 06, આપ 01

ભરૂચ -રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે કોંગ્રેસ પાસેથી બે અને બીટીપી પાસેથી એક બેઠક આંચકી લઇ સૌને ચોંકાવ્યાં -બીટીપીની દેડિયાપાડા બેઠક પર આપનું ઝાડું ચાલ્યું

ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે જાહેર થયેલાં પરિણામોએ કોંગ્રેસ અને બીટીપીને મોટો આંચકો આપ્યો છે. ભાજપે જંબુસર, નાંદોદ બેઠક કોંગ્રેસ પાસેથી જયારે ઝઘડિયા બેઠક બીટીપી પાસેથી આંચકી લીધી છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીએ દેડિયાપાડા બેઠક બીટીપી પાસેથી આંચકી લીધી હતી. બંને જિલ્લાના નવા સમીકરણો પર નજર નાંખવામાં આવે તો સાત બેઠકમાંથી 6 બેઠક ભાજપ પાસે અને એક બેઠક આમ આદમી પાર્ટી પાસે આવી છે.

2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને બીટીપીએ ગઠબંધન કરી ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેના કારણે બીટીપીએ નાંદોદમાં અને કોંગ્રેસે દેડિયાપાડામાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. આ ચૂંટણીના પરિણામમાં નર્મદાની નાંદોદ બેઠક પર કોંગ્રેસ, દેડિયાપાડા બેઠક પર બીટીપી, ઝઘડિયામાં બીટીપી, ભરૂચ બેઠક પર ભાજપ, વાગરા બેઠક પર ભાજપ, અંકલેશ્વર બેઠક પર ભાજપ અને જંબુસર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આમ 2017માં ભાજપ પાસે 03, કોંગ્રેસ પાસે 02 અને બીટીપી પાસે 02 બેઠક હતી.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. કોંગ્રેસ અને બીટીપીનો સફાયો થઇ ગયો છે. ભરૂચની એક માત્ર જંબુસર બેઠક પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે તેવી જ રીતે કોંગ્રેસે નાંદોદ બેઠક પણ ગુમાવી દીધી છે. બીટીપીના છોટુ વસાવા પાસેથી ભાજપે પ્રથમ વખત ઝઘડિયા બેઠક આંચકી સૌને ચોંકાવી દીધાં છે. દેડિયાપાડાની બેઠક બીટીપીએ ગુમાવી દીધી છે અને આ બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

નાંદોદ -જંબુસરમાં કોંગ્રેસને જૂથવાદ નડયો
નર્મદાની નાંદોદ બેઠક પર કોંગ્રેસે સીટીંગ એમએલએ પી.ડી.વસાવાનું પત્તુ કાપી 2012માં ચૂંટણી હારી ગયેલાં હરેશ વસાવાને ટિકિટ આપી હતી. જયારે ભરૂચની જંબુસર બેઠક પર કોંગ્રેસના સંજય સોલંકી વિજેતા બને તેમ હતું પણ તેમને કોંગ્રેસની આંતરિક જુથબંધી નડી હતી. પ્રચાર દરમિયાન તેમની પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો પણ કર્યો હતો.

નાંદોદ બેઠક પર બળવાખોર ફાવ્યાં નહિ
નાંદોદ બેઠક પર ભાજપે દર્શના દેશમુખને ટિકિટ આપતાં ભાજપના આદિજાતિ મોરચાના હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ બેઠક પર દર્શના દેશમુખ 28 હજાર કરતાં વધારે મતથી વિજેતા બન્યાં છે. અપક્ષના મતો કોંગ્રેસ અને આપ વચ્ચે વહેંચાય જતાં અપક્ષ હર્ષદ વસાવાને હારનો સામનો કરવો પડયો છે.

દેડિયાપાડામાં ઉમેદવારને જોઇ મતદાન કરાયું
દેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 32 હજાર કરતાં વધારે મતોથી વિજેતા બન્યાં છે. ચૈતર વસાવા બીટીપીના પ્રદેશ અધ્યક્ષ હતાં પણ તેમને બીટીપીએ દેડિયાપાડામાં ઉમેદવાર ન બનાવતાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. દેડિયાપાડામાં એક તરફી પરિણામ આવ્યું છે અને આદિવાસી મતદારોએ ચૈતર વસાવા પર સ્નેહ વરસાવતાં આ બેઠક પર આમ આદમી પાર્ટીને ખાતુ ખોલવાની તક મળી છે.

અન્ય સમાચારો પણ છે...