નેતાઓની સેવામાં નિગમ હાજર:PMના કાર્યક્રમમાં જતી એસટી બસો પર તંત્ર થયું મહેરબાન, નર્મદા મૈયા બ્રિજ ખોલી દેવાયો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ પરથી એસટી સહિતના ભારદારી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે, બે દિવસ માટે એસટીને મુક્તિ અપાઇ
  • વડાપ્રધાનના કાર્યક્રમ માટે 2,800 બસોની ફાળવણી, વડોદરાથી ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે પર ઠેર ઠેર એસટી બસો જોવા મળી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વધી રહેલાં અકસ્માતોને ધ્યાને રાખી વહીવટીતંત્રએ 25 મી મેથી એસટી બસ સહિતના ભારદારી વાહનોની અવરજવર પર ભલે પ્રતિબંધ ફરમાવી દીધો હોય પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે નર્મદા મૈયા બ્રિજ પર બે દિવસ માટે એસટી બસોની અવરજવર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડનબ્રિજ પર ચકકાજામ થઇ જતો હતો. ગોલ્ડનબ્રિજ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના કારણે વાહનચાલકો પરેશાન થઇ ગયાં હતાં. રાજય સરકારે અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો નર્મદા મૈયા બ્રિજ બનાવ્યો છે.

ગત વર્ષથી નર્મદા મૈયા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોની અવરજવરને છુટ આપવામાં આવી હતી પણ એસટી બસોની સાથે અન્ય ભારદારી વાહનોએ પણ હાઇવેના બદલે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ભારદારી વાહનોની સંખ્યા વધી જતાં અકસ્માતના બનાવો જેટ ગતિથી વધી રહયાં હતાં.

સ્થાનિકોના ભારે વિરોધના પગલે આખરે 25મી મેથી નર્મદા મૈયા બ્રિજને એસટી બસ સહિતના ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારદારી વાહનોની અવરજવર બંધ થવાના કારણે સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો. પણ ગુરુવારના રોજ નર્મદા મૈયા બ્રિજ પર ફરી એક વખત એસટી બસોની અવરજવર જોવા મળી હતી.

નવસારીમાં આયોજીત વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજયભરમાંથી 2,800 જેટલી એસટી બસો મોકલવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એસટી બસોનો કાફલો નવસારી તરફ પ્રયાણ કરી રહયો છે. એસટી બસોના કાફલાઓને પસાર થવા માટે નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકી દેવાયો છે.

ભરૂચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે જાહેરનામુ બહાર પાડી તારીખ 9 અને 10 મીના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી નિગમની બસોને જાહેરનામામાંથી મુકિત આપવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ નવસારી નજીક સંમેલનને સંબોધિત કરવાના છે. આ સંમેલનમાં 5 લાખ લોકોની જનમેદની એકત્ર કરવાની હોવાથી એસટી નિગમને કામે લગાડી દેવામાં આવી છે.

2800 કરતાં વધારે બસો નવસારી મોકલવામાં આવી
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ની 2,800 જેટલી બસોને વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવી છે. મોટા ભાગના ડેપોમાંથી ઉપડતી એકસપ્રેસ તથા લોકલ બસોના સંચાલન ઉપર આની અસર જોવા મળી છે. ટ્રીપો કેન્સલ થવાના કારણે મુસાફરોને અગવડનો સામનો કરવો પડી રહયો છે.

એસટી બસોના કાફલાઓથી ઠેર ઠેર ટ્રાફિકજામ થયો
વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજયભરમાંથી એસટી બસોને નવસારી મોકલવામાં આવી રહી છે. આ એસટી બસોમાં સભા સ્થળે માણસોને લઇ જઇને પરત લાવવામાં આવશે. વડોદરા અને ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે પર સુરત તરફની લેનમાં મોટી સંખ્યામાં એસટી બસો જોવા મળી હતી. એસટી બસોની અવરજવરના કારણે ભરૂચની નર્મદા ચોકડી પાસે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી.

ભરૂચ ડિવિઝનમાંથી 125 બસોની ફાળવણી કરવામાં આવી
રાજયમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 2,800 જેટલી બસોની ફાળવણી કરાય છે તેમાં ભરૂચ ડીવીઝનની 125 બસોનો પણ સમાવેશ થવા જાય છે. ભરૂચ ડીવીઝનમાંથી 125 બસોને નવસારી ખાતે મોકલવાની હોવાથી સ્થાનિક ટ્રીપોનું સંચાલન ખોરવાય જશે. ખાસ કરીને ગામડાઓમાંથી આવતાં લોકોને ખાનગી વાહનોમાં વધારે ભાડાથી મુસાફરી કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...