પાલિકાએ ત્રણ કૃત્રિમ તળાવ બનાવ્યાં:નર્મદા નદીમાં માટીની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્રનો નન્નો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ગણેશ યુવક મંડળોએ નદીમાં મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર પાસે પરવાનગી માગી

ભરૂચના ગણેશ યુવક મંડળોની માટીની પ્રતિમાઓના નર્મદા નદીમાં વિસર્જનની માગ વચ્ચે નગરપાલિકાએ કૃત્રિમ કુંડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં ગણેશજીની 4,500 જેટલી નાની અને મોટી પ્રતિમાઓનું ત્રણ સ્થળે બની રહેલાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય તેવું આયોજન કરવામાં આવી રહયું છે.

બે વર્ષ બાદ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે ત્યારે ગણેશ યુવક મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વહેતા પાણીમાં પીઓપી કે કેમિકલ યુકત પ્રતિમાઓના વિસર્જનને અટકાવી દેવામાં આવ્યું છે.

ભરૂચની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે થતી ગણેશ વિસર્જનની પરંપરા બંધ થઇ ચુકી છે. હવે ગણેશ યુવક મંડળો જાગૃત થયા છે અને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરી રહયાં છે.શ્રીજીની આર્કષણ અને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ માટે જાણીતા જુના ભરૂચના ગણેશ યુવક મંડળોએ તંત્ર સમક્ષ માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માગ કરી છે. તંત્રનું વલણ જોતાં નર્મદા નદીમાં માટીની પ્રતિમાઓના વિસર્જનની છુટ આપવામાં આવે નહિ તે નકકી છે. આવામાં ભરૂચ નગરપાલિકાએ ત્રણ સ્થળોએ મોટા કુંડ બનાવવાની તૈયારીઓ આદરી દીધી છે.

7 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન થશે
ભરૂચ શહેરમાં ત્રણ સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. જેમાં 7 ફુટથી વધુની ઉંચાઇ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. ચાલુ વર્ષે સરકારે તમામ નિયંત્રણો હટાવી દીધાં હોવાથી 10 જેટલા ગણેશ યુવક મંડળોએ 9 ફુટથી વધારે ઉંચાઇ ધરાવતી પ્રતિમાઓની સ્થાપના કરી છે. આ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ધાર્મિક આસ્થાનો સવાલ છે, અમે અમારી માગણી પર અડગ જ છીએ
નગરપાલિકા કચેરી ખાતે મળેલી બેઠકમાં અમે માટીની મુર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી રજુઆત કરી હતી પણ હજી સુધી અમને પરવાનગી આપવામાં આવી નથી. અમે ગણેશ યુવક મંડળો અમારી માગણી પર અડગ છીએ. ગણેશ મહોત્સવ હીંદુ સમાજની આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલો તહેવાર છે. બે વર્ષ બાદ તહેવારની ઉજવણી રંગેચંગે થઇ રહી છે અને અને માટીની મુર્તિઓ બાબતની અમાર માગ યોગ્ય છે અને તંત્રએ આ દિશામાં હકારાત્મક રીતે વિચારવું જોઇએ.> પ્રકાશ કાયસ્થ, આગેવાન.

અન્ય સમાચારો પણ છે...