રન ફોર યુનિટી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ ભરૂચથી 71 યુવાનો દ્વારા "NAMO THON" યોજવામાં આવી

ભરૂચએક મહિનો પહેલા
  • આ યુવાનો ભરૂચથી "સ્ટેચ્યુ ઓફ યુનિટી" સુધી દોડી વડાપ્રધાનને જન્મદિવસની ભેટ અર્પણ કરશે
  • "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા સાથે આ દોડને પ્રસ્થાન કરાવવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71મી વર્ષગાંઠ સંદર્ભે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૂતળાના સાનિધ્યમાંથી આજે ગુરૂવારે "NAMO THON"નું આયોજન ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

લીલી ઝંડી બતાવી "NAMO THON"ને પ્રસ્થાન કરાવાઈ

ભરૂચ જિલ્લાની રનર્સ કલબ તેમજ હરક્યુલસ જીમના 71 યુવાનોએ આ રન ફોર યુનિટીના કાર્યક્રમ હેઠળ ભાગ લીધો. ભરૂચથી નીકળેલા આ 71 દોડવીરો કેવડિયામાં આવેલા એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતીક વિશ્વના સૌથી ઉંચા એવા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" સુધી દોડીને તારીખ 17મીના રોજ પહોંચી પ્રધાનમંત્રીના જન્મદિવસની ભેટ અર્પણ કરશે. આ પ્રસંગે ભરૂચ ભાજપાના જિલ્લા પ્રભારી જનક બગદાણાએ યુવાનોને લીલી ઝંડી બતાવી "NAMO THON"ને પ્રસ્થાન કરાવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

મેરેથોનને પ્રસ્થાન કરાવતા પૂર્વે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, નીરલ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી, સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ બાબાસાહેબ આંબેડકરના પૂતળાની ફુલહાર વિધી કર્યા બાદ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા સાથે યુવાનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

આજે ગુરૂવારે સવારે નીકળેલા 71 યુવાનોનું ઝઘડિયા ખાતે ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ ઉમલ્લા ખાતે મધ્યાન ભોજન લઇ અને નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ખાતે રાત્રી રોકાણ કરશે, અને ત્યાંથી તારીખ 17મીના રોજ વહેલી સવારે નીકળી હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરી અને "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જવા રવાના થશે. જ્યાં તેઓની "રન ફોર યુનિટી" ને અનુલક્ષીને નીકળેલી "NAMO THON"ની પુર્ણાહુતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી થશે.

અન્ય સમાચારો પણ છે...