પાનોલીની સાયોના કોપ કેર કંપનીમાં નાઈટશિપમાં ગયેલા સુપરવાઈઝર યુવાનનો 6 દિવસ બાદ 40 ફૂટ નજીકથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પરિજનોએ ઘટનાના બીજા 6 દિવસ બાદ મૃતદેહ કંપની પાસે લાવી પુત્રની હત્યા થઈ હોઈ ન્યાયની માંગ સાથે દેખાવો યોજ્યા હતા.
મૂળ અમરેલી અને હાલ અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સમર્થ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો એમ.એસ.સી. થયેલો 23 વર્ષીય અક્ષર કાનાની પાનોલીની સાયનો કોપ કેરમાં સુપરવાઈઝર તરીકે નોકરીએ લાગ્યો હતો. અક્ષરની 30 માર્ચે નાઈટશિપ હતી, જેના બાદ રાતે તે અને તેનો મોબાઈલ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. પિતા રમેશભાઈ અને પરિવારે શોધખોળ કર્યા બાદ 6 એપ્રિલે તેનો મૃતદેહ કંપનીથી 40 ફૂટ દૂર 6 ફૂટ ઊંડા ખાડામાંથી મળ્યો હતો. પિતા અને બહેને અક્ષરની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે મૃતદેહની અંતિમ વિધિ કરી ન હતી.
ગત 12 એપ્રિલે રાતે સાયોના કંપની બહાર અક્ષરનો મૃતદેહ પરિવાર લાવી તેને શ્રદ્ધાંજલિ આપી હતી. પાટીદાર સમાજે જોડાઈ યુવાનની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતે પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પી.આઈ. ભૂતિયાની ન્યાયિક તપાસની ખાતરી બાદ પરિવારે કંપની બહારથી મૃતદેહ ખસેડાયો હતો.
મારા ભાઈને તેના ઇન્ચાર્જ હેરાન કરતા હતા
મારો ભાઈ 30મીએ સાંજે 8 વાગ્યા સુધી સંપર્ક હતો. જે બાદ મારા ભાઈનો મૃતદેહ કંપનીથી માંડ 40-50 ફૂટ નજીક ખાડા માંથી મળ્યો હતો. ભાઈ સાથે નાની બહેનને છેલ્લી વાતચીત મેસેજથી થઇ હતી. જેમાં તેના ઇન્ચાર્જ જયંતિ આહીર હેરાન કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મારા ભાઈની હત્યા થઇ છે તે ચોક્કસ છે. - શ્રધ્ધા કાનાણી, મૃતક અક્ષર કાનાણીની બહેન.
પરિવારના આક્ષેપોની પણ તપાસ કરાશે
અક્ષર કાનાણી મોત પ્રકરણમાં હાલ અકસમાતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા અમે પેનલ પી.એમ કરાવ્યું હતું ત્યરબાદ સુરત ફોરેન્સિક પી.એમ પણ કરાવ્યું છે. પરિવારના જે આક્ષેપ છે તેને પણ ધ્યાને લઇને તપાસ કરી રહ્યાં છે. - ચિરાઇ દેસાઈ, ડી.વાય.એસ.પી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.