કચરામાંથી કંચન તે આનું નામ:પાલિકાના વાહનો કચરો ફેંકે ને પાલિકા જ ઉઠાવે

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં પાલિકાના વાહનોમાંથી રસ્તા પર કચરો પડે, પાલિકા જ સફાઇ કરાવે

ભરૂચ શહેરના માર્ગોને સ્વચ્છ અને સુંદર રાખવા માટે માય લીવેબલ ભરૂચ અંતર્ગત દર મહિને 35 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહયો છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના ખખડધજ વાહનોમાંથી કચરો રસ્તા પર પડી ગંદકી ફેલાવી રહયો છે. ભરૂચ શહેરના 40 કિમીના મુખ્યમાર્ગોની દિવસમાં 3 વખત સફાઇ કરી તેને ચોખ્ખા રાખવામાં આવી રહયાં છે અને તેના માટે દર મહિને 35 લાખ રૂપિયાનો ખર્ચ કરાઇ રહયો છે. બીજી તરફ ભરૂચ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે નગરપાલિકા વાહનો જ શહેરમાં ગંદકી ફેલાવી રહયાં છે.

ભરૂચના કાસદ ગામે આવેલાં કલેકશન સેન્ટર ખાતેથી કચરાને થામ ગામની ડમ્પિંગ સાઇટ સુધી લઇ જવા માટે નગર પાલિકાએ ભાજપના એક લઘુમતી નેતાને કોન્ટ્રાકટ આપી દીધો છે. થામથી કાસદ વચ્ચે કચરાનું વહન કરતાં વાહનોમાંથી કચરો મુખ્યમાર્ગ પર પડી રહયો છે. માય લીવેબલ ભરૂચ હેઠળ મુખ્યમાર્ગોની સફાઇ પાછળ દર મહિને 35 લાખનો ખર્ચ કરાઇ રહયો છે તેવામાં પશ્ચિમ વિસ્તારના માર્ગો પર પાલિકાના ખખડધજ વાહનો જ કચરો ફેલાવી રહયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાના કચરાના નિકાલ માટે સાયખામાં પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પણ આ પ્લાન્ટ કાર્યન્વિત થઇ શકયો નથી અને તેના કારણે કચરાના નિકાલ માટે પાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની ફરજ પડી રહી છે પણ તેમાં ભાજપના નેતાઓને ફાયદો થતો હોવાની બુમો ઉઠી છે.

ભાજપના લઘુમતી નેતાનો કોન્ટ્રાકટ
ભરૂચ નગરપાલિકા પાસે પોતાના વાહનો અને કર્મચારીઓ હોવા છતાં પાલિકા સત્તાધીશોએ કચરાના વહન માટે કોન્ટ્રાકટ આપ્યો છે. શહેરમાંથી કચરા ભરેલાં વાહનો કાસદ ગામ પાસે કલેકશન સેન્ટરમાં કચરો નાંખે અને ત્યાંથી કચરાને ડમ્પિંગ સાઇટ સુધી લઇ જવા માટે પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો છે. કાસદ અને થામ ગામની વચ્ચે દોડતાં વાહનોમાંથી કચરો રોડ પર પડી રહયો છે.

મુખ્યમાર્ગ પર વાહનોમાંથી કચરો પડતો હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે
ભરૂચની જંબુસર ચોકડીથી દયાદરા સુધીના માર્ગ પર રોજ કચરાનું વહન કરતાં વાહનો પસાર થાય છે. વાહનોમાંથી કચરો માર્ગ પર પડે છે. માય લીવેબલ ભરૂચ હેઠળ રસ્તાઓની સફાઇ કરાઇ છે પણ પાલિકાના વાહનો જ ગંદકી ફેલાવી રહયાં છે. > અબ્દુલ કામઠી, આગેવાન

અમરતપુરા ખાતેના સેગ્રિગેશન પ્લાન્ટના પણ કોઇ જ ઠેકાણા નથી
માંડવા બુઝર્ગ ગામની સીમમાં એક લાખ ટન કરતાં વધારે કચરો એકત્ર થયો છે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આ કચરાના નિકાલનો આદેશ આપતાં અમરતપુરા ગામ પાસે લીગસી પ્લાન્ટ ઉભો કરી કચરાના નિકાલની કામગીરી શરૂ કરાઇ હતી પણ આ પ્લાન્ટના પણ હાલ કોઇ ઠેકાણા નથી.

ભરૂચમાં 2021 બાદથી કાયમી ડમ્પિંગ સાઇટ માટેજગ્યા મળતી નથી
ભરૂચ શહેરમાંથી નીકળતાં રોજના 120 ટન કરતાં વધારે કચરો નીકળે છે. આ કચરાનો 1998થી માંડવા બુઝર્ગ ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરાતો હતો પણ એનજીટીના આદેશથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવાયા બાદ થામ ખાતે ખેતર ભાડે લઇ તેમાં કચરાનો નિકાલ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...