તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો જર્જરિત મકાનમાં રહેવા મજબુર:ભરૂચ શહેરના 300 જર્જરિત મકાનોને પાલિકાની નોટિસ, માત્ર 7 માલિકોની મકાન ઉતારવા અરજી

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના ભરૂચ વિસ્તારમાં દર વર્ષે વરસાદમાં જર્જરિત મકાનો તૂટી પડવાના બનાવો બને છે

ભરૂચ શહેરમાં છેલ્લા 15 વર્ષથી નગરપાલિકા ચોમાસા પહેલા ભયજનક મકાનોમાં રહેતા લોકોને નોટીસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રીપેરીંગ કરાવી લેવા તાકીદ કરે છે. આ વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત મકાનોની સંખ્યા 300 નોંધાઇ હતી. ભયજનક મકાનોના કારણે જાનહાનિ ન થાય તે માટે પાલિકાએ માલિકોને નોટીસ આપી છે. ત્યારે અત્યાર સુધીમાં માત્ર 7 જ મકાન માલિકોએ તેમની ઇમારત ઉતારવા માટેની અરજી પાલિકામાં કરી છે.

ભરૂચની ભૌગોલિક રચનાને જોતાં જુનુ શહેર ટેકરા પર વસેલું છે જયારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે. દર ચોમાસા દરમિયાન ટેકરાની માટી ધસી પડવાને કારણે મકાનો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ જતાં હોય છે. ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણતાં હોવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાને અભાવે મકાનમાલિકો તેમના મકાનો ખાલી કરવાને બદલે ભયજનક મકાનોમાં રહેવાનું પસંદ કરતાં હોવાથી ચોમાસા દરમિયાન શહેરમાં મોટી હોનારત થવાનો ખતરો મંડરાતો રહે છે. નગરપાલિકા દ્વારા છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી ભયજનક મકાનોમાં રહેતા લોકોને તેમના મકાનો ઉતારી લેવા અથવા રીપેરીંગ કરાવવા નોટીસ આપી રહી છે.

શહેરમાં ચોમાસામાં મકાનો ધરાશાયી થવાની બનતી ઘટનાઓમાં લોકોમાં આવેલી જાગૃતિના કારણે ભયજનક મકાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં 428 મકાનો ભયજનક હાલતમાં હતાં તેની સંખ્યા હવે ઘટીને 300 પર પહોંચી છે. આ મકાનોમાં રહેતા લોકોને પાલિકાએ નોટીસ આપી મકાનો ઉતારી લેવા અથવા રીપેરિંગ કરાવવા સુચના આપી છે. ત્યારે અત્યાર સુધી માત્ર 7 જ મકાન માલિકોએ તેમની ઇમારત ઉતારી લેવા માટેે પાલિકા કચેરીએ અરજી આપી છે.

મકાન માલિક જાણ કરશે તો નગર પાલિકા મકાન ઉતારવામાં મદદ કરશે
ચોમાસામાં ભયજનક હાલતમાં રહેલાં કાચા- પાકા મકાનો તેમજ ઝૂંપડાઓ તૂટી પડવાથી જાનહાનિ સર્જા‍ઇ શકે તેમ છે. ભયજનક મકાનોમાં રહેતાં લોકોને નોટિસ આપી મકાનને ઉતારી લેવા અથવા રીપેરીંગ કરવા જણાવ્યું છે. જો તેમના વિસ્તારમાં ભયજનક મકાન અંગે લોકો પાલિકામાં જાણ કરશે તો તે મકાન ઉતારવામાં પાલિકા મદદરૂપ થશે.> સંજય સોની, મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા

નવી સોસાયટીઓમાં લોકોનું સ્થળાંતર
જૂના ભરૂચ વિસ્તારમાં આવેલી મોટાભાગની ઇમારતો અત્યંત જર્જરિત થઇ ગઇ છે. બીજી તરફ કેટલાંય મકાન માલિકો તેમના જૂના મકાનોને ખાલી કરીને નવી બની રહેલી સોસાયટીઓમાં સ્થળાંતર કરી રહ્યાં છે. જોકે, મિલકત ઉતારવામાં કેટલાંય લોકો આળસ દાખવતાં દુર્ઘટનાઓ બનતી હોય છે.

15 વર્ષથી નોટિસનો ચાલતો સિલસિલો
ભરૂચ નગરપાલિકા દ્વારા 15 વર્ષ ઉપરાંતથી નોટિસ ફટકારવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જોકે, કેટલાંય મકાનોમાં ભાડૂઆત-માલિક વચ્ચેની તકરારોના કારણે મકાન ઉતારવાનો નિર્ણય અટવાતાં હોય છે. બીજી તરફ જૂના મકાનોની કિંમત ન મળવી અને સોસાયટી વિસ્તારમાં મોંઘા મકાનો હોવાને કારણે લોકોને ઘર બદલવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શહેરના કયાં વિસ્તારોમાં ભયજનક મકાનો
રતનતળાવ, બહાદુર બુરજ, વૈરાગીવાડ, ભીડભંજનની ખાડી, હજીરાનો ટેકરો, ટાવર ટાંકીનો ટેકરો, કોટ સફીલ, વ્હોરવાડ

અન્ય સમાચારો પણ છે...