મુલાકાત:દહેજની ઘટનામાં મૃતકોને વળતર આપવા સાંસદ-MLAનું સૂચન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ-MLAએ સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી
  • ઈજાગ્રસ્તોની​​​​​​​ યોગ્ય સારવાર કરાવવા ટકોર કરી

દહેજ ખાતે આવેલી ભારત રસાયણ કંપનીમાં મંગળવારની બપોરે રીએક્ટરમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળવાના ગોઝારા બનાવમાં 36 કામદારો ઘાયલ થવા સાથે બે કામદારોના મૃત્યુએ દહેજ ઔદ્યોગિક ક્ષેત્રને હચમચાવી મૂક્યું હતું. ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ વધતા અને તેમાં નિર્દોષ કામદારો હોમાતા તેની ચિંતા કરી ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ઘટના સ્થળની મુલાકાત બાદ જિલ્લા ભાજપ ઉપ પ્રમૂખ દિવ્યજીતસિંહ ચુડાસમા, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલ મકવાણા, દહેજ સરપંચ જયદીપસિંહ તથા સ્થાનિક આગેવાન નકુલસિંહ અને રણજીતસિંહ સહિતના આગેવાનોની હાજરીમાં કંપનીના સંચાલકો સાથે મિટિંગ કરી હતી.

જેમાં ઘટના અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી સાંસદ અને ધારાસભ્યએ મૃતકોને યોગ્ય વળતર આપવા તથા ઘાયલોને સારી સારવાર અપાવવા સૂચન કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ તબક્કે ઉદ્યોગોમાં વધતા જતા અકસ્માતોના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા, જીઆઇડીસી, જીપીસીબી અને ઉદ્યોગો સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મૃતકોના પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કરતાં 25-25 લાખના વળતરની જાહેરાત
ભારત રસાયણ કંપનીમાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઘવાયેલા કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બુધવારે કંપની દ્વારા મૃતકના પરિજનોને ₹15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. બે હતભાગી કામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો. જે બાદ કંપની સંચાલકોએ 25-25 લાખનું વળતર ચૂકવવા જાહેરાત કરતાં આખરે મૃતદેહ સ્વીકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...