અંકલેશ્વર રેલવે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે નેત્રંગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જમીનો ઉપર મોટા પાયે લોકોએ દબાણો ઉભા કરી દીધા હતા. રેલવેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાનકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જોકે તેઓ નહિ હટતા હવે આવતીકાલે બુધવારે સવારે 10 કલાકથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રેલવેના સિનિયર સેક્શન એન્જીનીયર વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, 17 દબાણકર્તાના કેસ ચાલી રહ્યા છે. તેને છોડી 368 જેટલા દબાણોનો સફાયો બોલાવવા કાલે રેલવે, આર.પી.એફ. અને પોલીસ સાથે મળી મેગા ડિમોલિશન હાથ ધરાશે.
નેત્રંગ નગરમાં રેલ્વેની હદમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે આપેલી નોટીસો બાદ દબાણો દૂર નહિ થતાં તા. 30મી માર્ચના રોજ દબાણો દૂર કરવાને લઇ રેલ્વેના પોલીસ વિભાગના જવાબદાર અધિકારીએ નેત્રંગ પોલીસ સાથે આ મુદે ચર્ચા વિચારણા કરી નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ સાથે બેઠક કરતા દબાણો દુર કરવાનો મુદ્દો છેલ્લા 48 કલાકથી ટોક ઓફધી ટાઉન બની ગયો છે.
તો બીજી તરફ સ્થાનિક રહીશોએ રેલ્વે પોલીસના અધિકારીને મુદત આપવા વિનંતી કરી હતી. જેમાં આ બાબત રેલ્વેના જવાબદાર અધિકારીના પાવરમાં આવતી હોવાથી સરપંચ સહિત નગરના આગેવાનો મુલાકાત કરી મુદત માગે તો વધારી આપે પણ ગમે ત્યારે આ દબાણો દુર થશે થશે ને થશે તેમ તેમણે જણાવી દીધુ છે.
નેત્રંગમાં ગ્રામપંચાયત સેવાસદન સામે આવેલી રેલ્વે લાઇનના હદ વિસ્તારમાં ગાંધીબજારથી લઇને જવાહરબજાર વિસ્તાર સુધીમા તેમજ ગીરધરનગર વિસ્તારમા 1994થી બંધ પડેલી રેલ્વે લાઈનના હદ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ રહેઠાણના ઘરોથી લઇને દુકાનો બાંધી દીધી છે. ઉપરાંત રેલ્વે લાઇન છેલ્લા 28 વર્ષથી રેલ્વે વિભાગ દ્વારા પુન: ચાલુ કરવાના કોઇ પણ અણસાર ના દેખાતા લોકો થકી બિનધાસ્તપણે રેલ્વેની હદની જાણ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામોનો સીલસીલો ચાલુ રાખ્યો છે. તેવા સંજોગોમાં 28 વર્ષ બાદ રેલ્વે વિભાગને ગેરકાયદેસરના દબાણો દૂર કરવાનું સૂઝતાં આશરે બે માસ પહેલા દબાણકર્તાઓને નોટીસો આપ્યા બાદ રેલ્વે વિભાગ દ્વારા 30મી માર્ચના રોજ દબાણો દૂર કરવાનું નક્કી થયું હતું.
જેમાં આજે તા. 29મી માર્ચના રોજ રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જી.પાંચાણી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ તેમજ આગેવાનો જોડે બેઠક કરી હતી. ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે ગમે ત્યારે દબાણો દૂર થશે જ. જેને લઇને સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 48 કલાકથી ગેરકાયદેસર દબાણોનો મુદો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.