ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકની કેબીન પાછળ ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ ટ્રકમાંથી ગોળનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે કુલ 15.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, નૌગામા ગામની સીમમાં નેશનલ હાઇવેને અડીને આવેલી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રક નંબર-જી.જે.14.એક્સ.8672માં વિદેશી દારૂ ભરેલો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ટ્રકમાં તપાસ કરતા ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકની કેબીન પાછળ બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું,
આ ચોરખાનામાં પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 969 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 2.45 લાખનો દારૂ અને 5.75 લાખનો ગોળ તેમજ બે મોબાઈલ ફોન, સાત લાખની ટ્રક મળી કુલ 15.26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અમરેલીના મફતિયાપરાના ટ્રક ચાલાક રાકેશ રામજી મકવાણા, હિતેશ ધનજી મકવાણાને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.