વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે 11 મી શરીફની નિયાઝનું આયોજન કરાયું હતું. જેમાં ગામના તેમજ આસપાસના ગામના પરીચિતો નિયાઝની દાવતમાં જોડાયાં હતાં. વિધાનસભાની વાગરા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલ પણ દાવતમાં ગયાં હતાં. બપોરે 11-12 વાગ્યાના અરસામાં નિયાઝનું ભોજન આરોગ્યા બાદ લોકો પોતાના ઘરે ગયાં બાદ બપોરે બે-ત્રણ વાગ્યા પછી લોકોને ગભરામણ સાથે ઝાડા-ઉલટીની ફરિયાદ ઉઠી હતી.
જોતજોતામાં ગામમાં 175થી વધુ લોકોને અસર થતાં તેમને ફુડ પોઇઝનિંગ થયાનું માલુમ પડતાં તુરંત તમામને આરોગ્ય કેન્દ્રમાં ખસેવામાં આવ્યાં હતાં.જેમાં 15 જેટલાં લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ જ્યારે અન્ય કેટલાંકને પટેલ વેલફેર, આમોદ-વાગરા આરોગ્ય કેન્દ્ર તેમજ ચાંચવેલ પીએચસી પર ખેસેડાયાં હતાં. નિયાઝની દાવત બાદ વિધાનસભાની વાગરાની બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલને પણ અસર થતાં તેમને ભરૂચની સીટી કેર હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
ઘટનાની જાણ થતાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. તેમણે હોસ્પિટલના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી વાગરા ખાતે પણ દર્દીની મુલાકાત લઇ સ્થિતીનો ચિતાર મેળવ્યો હતો. આરોગ્ય વિભાગે પણ તુરંત ટીમોને એક્ટિવ કરી ચાંચવેલ ગામે તેમજ વાગરા-આમોદ હોસ્પિટલમાં સક્રિય કર્યાં હતાં. નિયાઝમાં બિરીયાની તેમજ છાસ તથા બ્રેડ હલવાની દાવત રાખવામાં આવી હતી. ત્યારે હલવાને કારણે લોકોને ફુડ પોઇઝનીંગ થયાનું અનુમાન છે.
ભરૂચ સિવિલમાં કોવિડ વોર્ડમાં તમામ દર્દીને સારવાર અર્થે દાખલ કરાયાં
વહિવટી તંત્રની સુચનાથી સિવિલમાં તૈયાર કરાયેલાં કોવિડ વોર્ડમાં હાલમાં કોઇ પેશન્ટ હોઇ ત્યાંની 45 બેડની ક્ષમતાવાળા વોર્ડમાં તમામ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. ફુડ પોઇઝનિંગની ઘટનાને લઇને સિવિલ તંત્રએ પહેલાંથી ORSની પાણીની બોટલો તૈયાર રાખવા સાથે અન્ય જરૂરી દવાઓનો સ્ટોક પણ તૈયાર રખાયો હતો. વોર્ડમાં 1 વર્ષથી માંડી 69 વર્ષના દર્દી દાખલ થયાં હતાં.
તમામની તબિયત સારી છે
ચાંચવેલ ગામે નિયાઝમાં 300થી વધુ લોકોને ફુડપોઇઝનિંગ થયું હોવાના મેસેજ અમને મળતાં અમે તુરંત એક્શનમાં આવી ગયાં હતાં. સિવિલ હોસ્પિટલના 10થી વધુ ડોક્ટરોને તેમજ નર્સિંગ સ્ટાફને તુરંત બોલાવી લેવાયાં હતાં. હાલમાં તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તમામને સામાન્ય અસર છે. કોઇની પણ હાલત ગંભીર ગણી શકાય તેમ નથી. - ડો. અભિનવ શર્મા
બપોરે ગભરામણ થવા લાગી
અમારા ગામની નિયાઝ હતી. જેમાં અમારા ગામના લોકો નિયાઝમાં જોડાયાં હતાં. ભોજન આરોગ્યા બાદ હું મારા ઘરે હતો. ત્યારે બપોરે બે-ત્રણ વાગ્યે અચાનક મને ગભરામણ થવા લાગી હતી. જે બાદ ઉલટી પણ થતાં મને મારા પરિવારજનો હસ્પિટલમાં લાવ્યાં. - બિલાલ ઇલ્યાસ લાલીયા, દર્દી.
હલવામાં વાપરેલાં માવાથી અસરની રાવ
નિયાઝમાં ગ્રામજનોએ બિરિયાની તેમજ છાસ સાથે બ્રેડનો હલવો રાખવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યાનુંસાર ભઠિયારાએ હલવો બનાવવા માટે જે માવો વાપર્યો હતો તે વાસી હોવાથી કે અન્ય કોઇ કારણસર લોકોને ફુડ પોઇઝનિંગ થયું હતું. જે લોકોએ વધુ માત્રામાં હલવો આરોગ્યો હતો તેમને જ સૌથી વધુ અસર થઇ છે. નાના બાળકો કે જેમની ઉમર 1-2 કે 4 વર્ષ સુધીના હતાં તેઓને પણ હલવો ખાવાથી જ અસર થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.