ઝનોરની એનટીપીસી ટાઉનશીપમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવી કોલોનીના 15 જેટલા લોકોને ઘાયલ કરનારો કપિરાજ આખરે આજે મંગળવારે પાંજરે પુરાયો છે. વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા કપિરાજને પાંજરે પુરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઝનોર ખાતે એન.ટી.પી.સી. કંપનીની ટાઉનશીપ આવેલી છે. નદી કિનારો અને ટાઉનશીપમાં લીલાછમ વૃક્ષોની હરિયાળીને લઈ છેલ્લા કેટલાક દિવસથી એક કપિરાજ ઘુસી આવ્યો હતો. વાનરે લોકોને ઇજા પહોંચાડવાનું અને બચકાં ભરવાના શરૂ કરતાં ટાઉનશીપના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો.
કપિરાજે ટાઉનશીપમાં આતંક મચાવી 15 જેટલા લોકોને ઘાયલ કરી દેતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. એનટીપીસી ટાઉનશીપમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવી રહેલા કપિરાજને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમણે તેને પકડવા પાંજરૂ પણ મૂક્યું હતું. આજે વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા કપિરાજને પાંજરે પુરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ પાંજરામાં પુરાયેલા વાનરના ફોટા પાડવાની સાથે વીડિયો ઉતારી સેલ્ફીઓ પણ લીધી હતી અને અંતે હાશકારો અનુભવ્યો હતો કે ટાઉનશીપમાં આવી ચઢેલો વાનર ફરી તેના કુદરતી નિવાસ સ્થાન ભેગો થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.