ગુજરાતમાં પહેલી વખત કોઈ ધારાસભ્ય મતદારોના ઋણનો સ્વીકાર કરતો કાર્યક્રમ કરી રહ્યા છે. જે અન્ય ધારાસભ્યો માટે પણ પ્રેરક બનશે તેમ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ભરૂચના દુધધારા ડેરીના મેદાન પર વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા આયોજિત મતદાતાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા કહ્યું હતું.
વાગરા વિધાનસભા ક્ષેત્રમાં સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણા ઘ્વારા મતદાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ મનસુખભાઇ વસાવા, પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધારાસભ્ય અરુણસિંહ રણાના ઋણ સ્વીકારના અભિગમને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નારેન્દ્રભાઈની લોકો પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ, દેશ અને ગુજરાતને સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન અને વિશ્વાસ નરેન્દ્રભાઈનો છે એના કારણે આપણે 156 બેઠકો જીતી શક્યા છે.
સી.આર.પાટીલે ભવિષ્યમાં182 બેઠકો ભાજપ જ સર કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. બાળકોના કુપોષણની વાત છેડી તેમણે ધારાસભ્યો અને કાર્યકરોને તેમના વિસ્તારમાંથી કુપોષિત બાળકો શોધી તેમને કુપોષણમાંથી બહાર લાવવા અપીલ કરી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ ધારાસભ્ય અરુણસિંહ રણા 108ની જેમ કામ કરતા હોવાનું ધારાસભ્યના કાર્યોને બિરદાવ્યા હતા.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પેજ પ્રમુખના મંત્રને ભાજપે રાષ્ટ્રીયસ્તરે પણ સ્વીકાર્યો હોવાનું કહ્યું હતું. તેમણે બિટીપીને બે વર્ષ પહેલા છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું કહ્યું હતું. અને તાજેતરની ચૂંટણીઓમાં ભાજપે ભગવો લહેરાવી બીટીપીના સામ્રાજ્યને ખત્મ કર્યું હોવાનો હુંકાર કર્યો હતો.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મતદાતાઓના ઋણનો સ્વીકાર કરી વાગરાના મતદારોએ તેમને પ્રેમભાવ અને તાકાત આપ્યા હોવાનું કહ્યું હતું. વાગરા વિધાનસભા ક્ષેત્રના વિકાસની ઝાંખી કરાવી ધારાસભ્યએ પ્રત્યેક ગરીબ પરિવારને તેનું પોતાનું ઘર મળે તેવો સંકલ્પ હોવાનું પણ ઉમેર્યું હતું. વ્યક્તિ મોટી નથી, પાર્ટી મોટી છે તેમ કહી અરુણસિંહ રણાએ પોતે ભાજપના ધારાસભ્ય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.