ભરૂચ તાલુકાના ઉત્તર પટ્ટી ઉપર આવેલા ગામોમાંથી નર્મદા નિગમની માઇનોર નહેર પસાર થાય છે. જોકે, વિભાગ દ્વારા વર્ષોથી નહેરનું સમારકામ કરવામાં નહી આવતા દર વર્ષે નહેરમાં ભંગાણની સમસ્યા સર્જાય છે. ત્યારે નવા વર્ષના પેહલા દિવસે જ નર્મદાની માઇનોર કેનાલમાં દભાલી અને કવિઠા વચ્ચે ગાબડું પડ્યું હતું. જેથી ચાર ગામના ખેડૂતોના ખેતરોમાં રહેલો તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યાં છે. તાજેતરમાં જ નહેર ખાતા દ્વારા કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હતી. જોકે, નહેર વિભાગ સમારકામ હાથ નહી ધરતું હોવાથી દર વર્ષે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે.
અંદાજે 4 ગામના 300 એકરથી વધુમાં નુકસાન
પેહલી જાન્યુઆરીએ જ નહેરમાં ગાબડાને લઈ કવિઠા, સામલોદ, દભાલી અને બબુંસર ગામના નહેરની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ખેતરો પાણીમાં ગરકાવ થતા તૈયાર પાક મઠિયા, તુવેર, કપાસ, શેરડી સહિત બરબાદ થઈ ગયા હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો છે. અંદાજે 4 ગામના 300 એકરથી વધુમાં નહેરના પાણી ખેતરોને ડુબાડી દેતા ખેડૂતો આર્થિક રીતે ખુબ નુકસાન આવ્યું છે.
વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગણી
નહેર નિગમ કેનાલ કામનું સમારકામ કરે અને તંત્ર સર્વે કરાવી ખેડૂતોને પાકનું બજાર ભાવ મુજબ વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે જ ચાર ગામના ખેડૂતોએ કલેકટરમાં નુકસાની અંગે રજૂઆત કરવા તૈયારીઓ બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.