ધરપકડ:ગુજરાતના 14 જિલ્લામાં તલાકસુદા યુવતીના 27 લગ્ન અને 3 સગાઈ કરાવનાર મલેશિયાકાંડની મુખ્ય સૂત્રધાર 'મુન્ની' 4 વર્ષે પકડાઈ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં પીડિતાની આપવીતી બાદ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો
  • પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સન એકટ સહિત 29 કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો

ભરૂચની તલાકસુદા યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી મલેશિયા દેહવેપારમાં ધકેલનાર 4 વર્ષથી વોન્ટેડ મલેશિયાકાંડની મુખ્યસૂત્રધાર વહીદા ઉર્ફે મુન્નીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડ પકડી પાડી છે. પીડિતાને મલેશિયાથી વહીદાની ગેંગમાંથી છોડાવવા પાકિસ્તાનીએ મદદ કરી હતી.

વર્ષ 2017માં મલેશિયામાં દેહવેપારના ધંધામાં ધકેલાયેલી ભરૂચની યુવતીને પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનાર ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી. મલેશિયામાં પ્રકાશમાં આવેલો આ સમગ્ર મામલો ભરૂચ પોલીસ સમક્ષ આવતાં શહેરની એક તલાકસુદા આ મહિલાને લગ્ન અને સગાઈની આડમાં પુરુષો સાથે નાણાકીય છેતરપિંડી કરી વેચી દેવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ ઉઠાવનાર ગેંગે યુવતીનાં ગુજરાતભરના 14 જિલ્લાઓમાં 27 જેટલા પુરુષો સાથે બોગસ લગ્ન તથા 3 સગાઈ કરાવી તેમની પાસેથી નાણાં ખંખેરી થોડાંક દિવસો સુધી યુવતીને પત્ની તરીકે તેમની સાથે રાખી પરત ભગાડી લાવતાં હતા.

ભરૂચ શહેરની સામાન્ય પરિવારની એક મુસ્લિમ યુવતીનાં લગ્ન શહેરના લાલબજાર વિસ્તારમાં રહેતાં એક યુવાન સાથે થયાં બાદ ત્રણ વર્ષ સુધી તેને કોઈ સંતાન ન થતા બંનેએ સંમતિથી તલાક લઈ છૂટા થયાં હતાં. આ ઘટના બાદ યુવતીએ અન્ય એક યુવાન સાથે લગ્ન કરતાં તે યુવાનને તેજ યુવતીની બહેન સાથે પ્રેમ થઈ જતાં બીજા લગ્નમાં પણ યુવતીને નિષ્ફળતા મળી હતી અને તે નિરાશ થઈ ગઈ હતી.

દરમિયાન આ યુવતી એક વહીદા નામની સ્ત્રીનાં સંપર્કમાં આવી હતી . વહીદા તેને પોતાનાં ઘરે જબદસ્તી લઈ ગઈ હતી. ત્યારબાદ વહીદાએ યુવાન વયની અને લગ્નમાં નિષ્ફળ ગયેલી યુવતીની મજબુરીનો લાભ લઈ તેને લગ્ન અને સગાઈના નામે વેચવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો.

વહીદા અને તેની બહેન મોહંમદી , એઝાઝ , ફિરોજ , રેહાના , સિકંદર શેખ , ઝરીના , માયા ઊર્ફે સુનિતા , સવિતા , ભૂપત , મધુ . સોનલ , કાંતિ દલાલ , કિશોર દલાલ , ઈકબાલ જાડિયો તથા અન્ય દલાલોની ગેંગે પ્રાંતિજ , બાવળા , તળાજા , પાવાગઢ , ધ્રાંગધ્રા , રાજકોટ નજીકના ગામ , વિસનગર , વિરમગામ , વડોદરા , સુરત , અંકલેશ્વર , કચ્છ , પિલવાઈ ગામ , મોરબી , દિશા , નડિયાદના ખોજબલ ગામ , લુણાવાડાના વિરપુર સોરડિયા ગામ , રાજુલાના ખાજબાઈ ગામ , અમદાવાદના ખોરજ ગામ , કપડવંજ મોટીજેર ગામ , સુરતના ઉધના ડીંડોલી , વિજાપુરનું રાડોલ ગામ તથા ભરૂચના ફલશ્રુતિનગર વિસ્તારનાં પુરુષો સાથે મંદિરોમાં હિન્દુવિધી મુજબ લગ્ન કરાવી આ પુરુષો પાસેથી તગડી રકમ વસૂલ કરી યુવતીને થોડાંક દિવસો માટે તેમનાં હવાલે કરી ત્યાંથી ભાગી છુટતાં હતા.

યુવતીનાં જે પુરુષ સાથે લગ્ન થતાં હતાં , તે પુરુષ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતા હતા . ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ યુવતીને પરત લઈ જઈ થોડાંક દિવસોમાં નવા મુરતિયા શોધી યુવતીને તેમનાં હવાલે સોંપી નાણાં લઈ રીતસર યુવતીને વેચવાનો લાંબા અરસાથી ગોરખધંધો ચલાવી રહ્યાં હતાં.

યુવતીએ આ ચુંગાલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી ત્યારે વહીદા અને તેનો પુત્ર ફિરોજ તેને મારી નાખવાની અને તેનાં લગ્નના આલ્બમ બધાને બતાવી દેવાની ધમકી આપી તેની પાસે જબરદસ્તી આ ધંધો કરવા માટે મજબૂર કરતા હતા . દરમિયાન 2017 માં વહીદા અને તેની બહેન મોહંમદીએ યુવતીને સ્ટિકર વેચવાનો ધંધો કરવાની વાત કરી મલેશિયા લઈ જઈ ત્યાં દેહવેપારના ધંધામાં જબરદસ્તી ધકેલવાની કોશિશ કરી હતી . ત્યારે મલેશિયાની લાહોર હોટલમાં તેની બાજુના રૂમમાં રોકાયેલાં એક પાકિસ્તાની નાગરિકને તેણે પોતાની સાથે થઈ રહેલી જબરદસ્તીની ઘટના જણાવી હતી.

પાકિસ્તાની નાગરિકે યુવતીને પોતાનો મોબાઈલ નંબર આપી કોઈપણ તકલીફ પડે ત્યારે કોન્ટેક કરવા જણાવ્યું હતું . દરમિયાન ગત 4 મે 2017 ના રોજ યુવતી હોટલમાંથી ભાગી છૂટવામાં સફળ થયાં બાદ તેણે પાકિસ્તાની નાગરિકનો સંપર્ક કરી મદદની ગુહાર લગાડતાં પાકિસ્તાની નાગરિકે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીને સમગ્ર ઘટના બાબતે જણાવતાં મલેશિયા પોલીસે તાત્કાલિક અસરથી યુવતીને દેહવેપારમાં ધકેલવાની કોશિશ કરનાર ભરૂચની વહીદા અને મોહંમદીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા .

મલેશિયામાં સજા ભોગવી ચુકેલી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ રહે . રૂંગટા સ્કુલની પાછળ , સુથીયાપુરાની ખાડી , ભરૂચ ઇન્ડિયા પરત ફરી હતી. બીજી તરફ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડને તે તેના ઘરે આવી હોવાની માહિતી મળતા 4 વર્ષથી મલેશિયા કાંડમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર મુન્નીને આજે ગુરૂવારે પકડી પાડવામાં આવી હતી.

'ભરૂચના રહાડપોર ગામે ભાડાના મકાનમાં વહીદાએ કૂટણખાનું શરૂ કર્યુ'વર્ષ 2012 માં વહીદાએ ભરૂચના રહાડપોર ગામે મકાન ભાડે લઈ ત્યાં કૂટણખાનું શરૂ કર્યું હોવાનું 2017 માં ભોગ બનનારે પોલીસને હકીકત જણાવી હતી. અલગ અલગ ગ્રાહકો પાસે પીડિતાને વહીદા શરીર સંબંધ બાંધવાની ફરજ પાડતી હતી.

વહીદાનાં પુત્ર ફિરોઝે 5 વર્ષમાં અનેકવાર બળાત્કાર ગુજાર્યો વહીદાનો પુત્ર ફિરોઝ પીડિતા ઉપર નજર રાખતો હતો અને 5 વર્ષ દરમિયાન અનેકવાર તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું 2017માં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. મજબુરીનો લાભ લઈ અવારનવાર ગુજારેલા બળાત્કારમાં ગર્ભ રહી જતા વહીદા અને ફિરોઝ તેને પડાવવા માગતા હતી. જોકે 30 ઓગસ્ટ 2013 ના રોજ પીડિતાને પુત્રનો જન્મ થયો હતો. જેનું એક વર્ષ બાદ ખેંચની બીમારીથી મોત થયું હતું .

અન્ય સમાચારો પણ છે...