વિવિધતામાં એકતા ધરાવતાં ભરૂચ જિલ્લામાં વસતાં મારવાડી સમાજની બહેનોએ તેમના પરંપરાગત પર્વ ફાગણ વદ દસમની હર્ષોલ્લાસથી ઉજવણી કરી દશામાતાનું પૂજન અર્ચન કર્યું હતું. ફાગણ વદ દસમના દિવસે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વસેલા મારવાડી સમાજની પરણિત બહેનોએ પતિનું આયુષ્ય વધે તથા ધંધા-રોજગારમાં પ્રગતિ થાય તેવી ભાવના સાથે દશામાતાનું પૂજન કર્યું હતું. દર વર્ષે હોળી બાદ ફાગણ વદ દસમના દિવસે મારવાડી સમાજની બહેનો આ પરંપરા નિભાવતી હોય છે.
આજના દિવસે બહેનોએ ઉપવાસ રાખી પોતાના ગળામાં વિશેષ પ્રકારનો દોરો બાંધતી હોય છે. જે એક વર્ષ સુધી બાંધી રાખવામાં આવે છે. આજના પાવન અવસરે બહેનોએ પીપળા પૂજન તથા હનુમાન દાદાના પણ દર્શન કર્યા હતાં. જિલ્લામાં સ્થાયી થયેલાં મારવાડી સમાજની બહેનો ઝાડેશ્વર વિસ્તારમાં એકત્ર થઇ હતી. ભરૂચ જિલ્લામાં રોજગારી માટે દેશના વિવિધ રાજયોમાંથી લોકો સ્થાયી થયાં છે. વતનથી દુર હોવા છતાં તેમણે પોતાની પરંપરાને જાળવી રાખી છે. રાજસ્થાનના મારવાડ સહિતના શહેરોમાંથી પણ આવેલાં લોકો ભરૂચ જિલ્લામાં વસવાટ કરી રહયાં છે ત્યારે તેમના પરંપરાગત પર્વની ઉજવણી કરી વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.