નર્મદામાં મેઘરાજાનું તાંડવ:રાજપીપળામાં તણખલાંની જેમ વાહનો તણાયા, ગામો સંપર્ક વિહોણા બન્યાં, ઠેર-ઠેર પાણી ભરાયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • સાગબારામાં 8 ઇંચ, ડેડીયાપાડામાં 8 ઇંચ, તિલકવાડા અને ગરુડેશ્વરમાં 6 તેમજ નાંદોદમાં 4 ઇંચ વરસાદ

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે. નર્મદા જિલ્લાના 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 5 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. રાજપીપળામાં અનેક વાહનો તણાયા હતા. તેમજ રાજપીપળા અને ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. તેમજ રસ્તા પર કેડસમાં પાણી ભરાયા હતા.

પૂછપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. નગરના ખાડા ફરિયા, કાછિયાવાડ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામ નજીક આવેલા કોઝવે પાણીમાં ગરક થઈ ગયો હતો. સ્થાનિક રહીશો તેમજ વિદ્યાર્થીઓ માટે આ એક માત્ર રસ્તો હોય તે ધોવાઈ જતાં સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

માર્ગ ઉપર મોટા મોટા ગાબડાં પડી ગયા
ગરુડેશ્વર તાલુકાનું નધાતપુરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું. આ ગામમાં 400 જેટલા મકાનો આવેલા છે અને 5 હજાર જેટલી વસ્તી ધરાવે છે. જેઓ અસરગ્રસ્ત બન્યા હતા. નર્મદા જિલ્લાના લાછરસ ખાતે મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા અને ગામ વચ્ચે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ભારે વરસાદના કારણે રાજપીપળાથી ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. માર્ગ ઉપર મોટા મોટા ગાબડાં પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદના કારણે રાજપીપળા નગરમાં અનેક વાહનો પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતા. લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન પણ વરસાદ સતત ચાલુ હતો.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો?
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા નર્મદા જિલ્લાના અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે. જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસેલ વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં સાગબારા તાલુકામાં 8 ઇંચ, ડેડીયાપાડા તાલુકામાં 8 ઇંચ, તિલકવાડા તાલુકામાં 6 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ અને નાંદોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

સાંસદે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોના હાલચાલ પૂછ્યા હતા. તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જરૂરી સૂચનો કર્યા હતા ઉપરાંત જેઓ અસરગ્રસ્ત છે તેઓને જરૂરી સહાય આપવાની સૂચના આપવામાં આવી હતી. તો જરૂર પડે લોકોનું સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...