નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં પુનઃ ખેડૂતો માટે આફત ઉભી થઇ છે અને આ વખતે પણ વાતાવરણમાં પલટો આવતાં અચાનક વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડામાં કેરીઓ ખરી પડતાં આખી આંબાવાડીયામાં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કેરીઓનો પાક વલસાડ-જૂનાગઢ બાજુ થતો હોય છે. પરંતુ એક પ્રયોગના ભાગરૂપે ખેડૂતો બાગાયત વિભાગની મદદથી આંબાવાડી કરતા થયા છે. નર્મદા જિલ્લામાં મુખ્ય ખેતી કેળા અને શેરડીની છે, છતાં 50 હેક્ટરથી વધુ જમીનોમાં ખેડૂતોએ આંબાવાડી કરી છે. કારણ કે કેળાના પાકમાં નુકસાન જાય તો કેરીના પાકથી નુકસાન ભરપાઈ થઈ જાય, પરંતુ ગત વર્ષે કોરોનામાં કેરીઓ વેચાઈ નહીં અને આ વખતે સારો ભાવ થવાની અપેક્ષા હતી, ત્યારે કેરીઓ વાવાઝોડામાં પડી જતા મોટું નુકસાન થયું હોવાથી ખેડૂત સરકાર પાસે સહાયની અપેક્ષાઓ રાખી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી 43થી 44 ડિગ્રી તાપમાન હતું અને ગઈકાલે શનિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવતાં ચારેકોર પવનો ફૂંકાવા લાગ્યા અને વાવાઝોડું આવ્યું હતું. આજે રવિવારે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા ડિબાંગ વાદળો છવાતાં લોકોને તો ગરમીથી રાહત મળી હતી, પરંતુ ખેડૂતોને કેરીઓમાં વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોને જે કેરીઓ 1 હજાર રૂપિયે 20 કિલો (એક મણ)નું વેચાણ કરવાની અપેક્ષા હતી, એ જ કેરી વાવાઝોડાને કારણે કાચી પડી જતાં હવે આ કેરી 100 રૂપિયે 20 કિલો (એક મણ) વેચવાનો વારો આવ્યો છે.
આમ ખેડૂતો આ કેરી મફતના ભાવે આપવા મજબૂર બનતા તેમના માથે મોટું સંકટ ઉભું થયું છે. જેથી બાગાયત વિભાગ સર્વે કરે અને સરકાર ખેડૂતોને સહાય આપે એવી નર્મદા જિલ્લાના ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.