ભરૂચ જિલ્લામાં થોડા સમય પહેલાં અંક્લેશ્વરની એક કંપનીમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. જેમાં 1300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ ભરૂચ એસઓજીએ જિલ્લાના ઇતિહાસનો પહેલો ગણી શકાય તેવો 1334 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
એસઓજીના કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને ચોક્કસ બાતમી મળી હતી કે, યુપીના કાનપુરમાં આવેલાં ફજલગંજથી પેસેન્જર ભરી સુરત જતી યુપી પાસિંગની અને એસકેટી લખેલી એક લક્ઝરી માં ગાંજાની મોટા પ્રમાણમાં હેરાફેરી થનાર છે. જેના પગલે એસઓજી પીઆઇ એ. એ. ચૌધરી તેમજ પીએસઆઇ એ. વી. શિયાળીયાએ ટીમ સાથે ઝાડેશ્વર ચોકડીએ વોચ ગોઠવી બસને અટકાવી હતી.
જેમાં બસના સામાન મુકવાના કેબિનમાંથી આયુર્વેદિક ઔષધીની ગોળીઓની આડમાં લઇ જવાતા ગાંજાના 10 થેલાં તેમજ બસના છાપરા પર મુકેલાં 30 થેલા મળી કુલ 40 થેલામાં ભરેલો 1.33 કરોડની મત્તાનો 1334 કિલો 115 ગ્રામ ગાંજો ટીમને મળી આવ્યો હતો. ટીમે બસના બે ડ્રાઇવર વિજયપાલસિં તોમર તેમજ ચંદ્રકાન્ત રાજેન્દ્ર શર્મા તથા ક્લિનર રવિન્દ્ર જગરામ વર્માની ધરપકડ કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં સુરત ખાતે જથ્થો લેવા માટે રિસીવર આવવાનો હોવાનું જણાવતાં સુરત એસઓજીનો સંપર્ક કરતાં તેમણે ત્યાંથી અંબાલાલ કલાલ તેમજ ભરત પ્રજાપતિ નામના બે રિસીવરોને ઝડપી પાડ્યાં હતાં.
ટ્રાવેલ્સના મેનેજરની તલ સ્પર્શી તપાસ કરાશે
ઝડપાયલાં આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, વૈષ્ણો ટ્રાવેલ્સની ઓફિસના મેનેજર મોનુ પરમારે બસમાં 40 થેલાં ચઢાવ્યાં હતા. જેની બિલટી વગેરે પણ તેણે જ આપી હતી. જેથી ગાંજાની હેરાફેરીમાં ટ્રાવેલ્સનો મેનેજર પણ પોલીસના શંકાના દાયરામાં આવ્યો છે. તેની ધરપકડ બાદ વધુ ખુલાસા થઇ શકશે.
અગાઉ પણ હેરાફેરી કર્યાનું અનુમાન
ઔષધીની આડમાં ગાંજાની હેરાફેરીના કેસમાં 1334 કિલો જેટલો વિપુલ જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પહેલીવારમાં જ આટલી મોટી માત્રામાં ગાંજાની હેરાફેરી કરે તેવી શક્યતા ઓછી હોઇ તેઓએ પહેલાં પણ 4-5 વેળાં કારસાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. જેમાં સફળતાં મળતાં તેઓ મોટી માત્રામાં ગાંજો લાવ્યા હોવાનું અનુમાન છે. હાલમાં પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
રૂપિયાની પ્રિન્ટ પણ 25થી 30 રૂપિયામાં વેચાણ
નો ડ્રગ્સ ઇન ભરૂચ અંતર્ગત જિલ્લામાં ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાનમાં એસઓજીની ટીમે લક્ઝરી બસમાં આયુર્વેદિક દવાના પેકેટની આડમાં 1334 કિલો જેટલો ગાંજાના વિપુલ જથ્થાની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આયુર્વેદિક ઔષધીના પેકેટ પર 1 રૂપિયાની કિંમતની પ્રિન્ટ કરાઇ છે. જે સુરતમાં 25થી30 રૂપિયામાં વેચાતી હોય છે. કેસમાં વોન્ટેડ અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. > ડો. લીના પાટીલ, એસપી, ભરૂચ.
વર્ષ 2012-13માં 500 કિલો ગાંજો ઝડપાયો હતો
આયુર્વેદિક ઔષધીના બ્રાન્ડ હેઠળ ગાંજાની હેરાફેરીનું ભરૂચ જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી મોટું રેકેટ એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે. આ પહેલાં વર્ષ 2012-13માં એસઓજીએ જ હાઇવે પરથી 500 કિલો જેેટલો ગાંજો પકડ્યો હતો. જે બાદ હાલમાં તેમણે કુલ 1334 કિલી 115 ગ્રામ ગાંજો પકડ્યો હતો.
કંપની બેબી ક્યોર ઔષધી બનાવે છે
આરોપીઓ પાસેથી મળી આવેલાં ચલણ પૈકના એકમાં રામશીવ ફાર્માસ્યુટીકલ્સનું નામ નોંધાયું છે. જેની પ્રાથમિક તપાસમાં તે બેબી ક્યોર ઔષધી બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. આયુર્વેદિક ઔષધીની ગોળી જેવો આકાર આપી તેનું પેકિંગ કરવામાં આવ્યું હતું. જેથી તેઓ જાતે ગોળી બનાવતા હતા કે કેમ તેની તપાસ કરીશું. ઉપરાંત કંપનીના નામે બનાવેલાં બીલો સાચા છે કે કેમ તે તપાસીશું જો ખોટા હશે તો તે અંગેનો ગુનો પણ નોંધીશું > એ. એ. ચૌધરી, પીઆઇ, એસઓજી, ભરૂચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.