ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારે સમી સાંજે જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મંગળવારે સાંજે 7 કલાકની આસપાસ ભરૂચના નર્મદા માર્કેટમાં એક વ્યક્તિની પાછળ અન્ય એક વ્યક્તિ ચપ્પુ લઈને પડ્યો હતો. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા. દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. વેપારીઓ કઈ મદદે પહોચે તે પહેલા જ હત્યારો ફરાર થઇ ગયો હતો.
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મારનાર આરોપીનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યા પરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હતા. વારંવાર આરોપી આર્યનને સમજાવતો હતો પરંતુ તે ન માનતા તેને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.