ગોઝારો અકસ્માત:ઝઘડિયાના રતનપુર નજીક લકઝરી બસ પુલની RCCની રેલિંગમાં ઘૂસી, બે કર્મચારીઓ ફસાતા પતરા ચીરી બહાર કઢાયાં

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં 7 લોકોને ઈજા, ગંભીર રીતે પતરા વચ્ચે ફસાયેલા 2 પૈકી 1 નું મોત
  • ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ લકઝરી બસ GIDCમાં જઈ રહી હતી

ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક લક્ઝરી બસને સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. બસ પુલની RCCની રેલિંગમાં ઘૂસી જતા 7 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે વ્યક્તિઓ પતરા વચ્ચે ગંભીર રીતે ફસાયા હતા. જેઓેને ભારે જહેમત બાદ પતરા ચીરી બહાર કાઢવામાં આવ્યાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા એક વ્યક્તિનું મોત થયું છે.

આ અકસ્માતની મળતી પ્રાથમિક માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકથી એક ખાનગી કંપનીની લકઝરી બસ વહેલી સવારે કર્મચારીઓને લઈ પસાર થઈ રહી હતી. કામદારોને લઈને બસ ઝઘડીયા GIDCમાં જઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રતનપુર નજીક પુલની RCC રેલિંગ સાથે બસ અથડાઇ હતી. જે બાદ બસ RCCની રેલિંગમાં ઘુસી જતા બસના આગળના ભાગનો આખો કૂચડો બોલી ગયો હતો. અકસ્માત અને કામદારોના અવાજ સાંભળી રતનપુરના સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. રતનપુરના સ્થાનિક અગ્રણી હૈદર બાદશાહ એ જણાવ્યુ હતું કે, આ અકસ્માતમાં કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા.

અકસ્માતમાં બે વ્યક્તિ બસના દરવાજા પાસે ફસાઇ જતા બસનું પતરુ કાપીને તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ જે પૈકી ફસાયેલા એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ શખ્સ બેહોશ થઇ ગયો હતો તેમજ તેના નાકમાંથી લોહી નીકળતુ હોવાની વાત ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો દ્વારા જાણવા મળી હતી. ડોક્ટર દ્વારા આ ફસાયેલ કામદારને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

બસના પતરામાં ફસાયેલા કામદારોને લકઝરી બસના પતરા ચીરી બે કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યાં હતા. 108, પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઘટનામાં 7 લોકોને ઇજા અને એક વ્યક્તિનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જ્યારે લકઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા ઉડી હતી. જોકે, ચાલકના ટેસ્ટ અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ અકસ્માત અંગેની વધુ વિગતો બહાર આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...