ભરૂચ:રહેણાંક વિસ્તારના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિને લઇ સ્થાનિકોનો વિરોધ, મૃતદેહ 24 કલાક રઝળ્યા બાદ અંતિમ સંસ્કાર

ભરૂચ2 વર્ષ પહેલા
  • ભરૂચના સ્મશાનમાં શુક્રવારે વિરોધ થયા બાદ અંકલેશ્વરના સ્મશાનગૃહમાં મૃતદેહને અંતિમવિધિ માટે જઇ જવાતા વિવાદ સર્જાયો હતો
  • આજે ફરીથી ભરૂચમાં અંતિમવિધિ માટે મૃતદેહ લવાતા લોકોએ ફરીથી વિરોધ કર્યો, નર્મદા કિનારે પણ અંતિમ વિધિ ન કરવા દીધી
  • પોલીસ અને તંત્રની સમજાવટ બાદ નર્મદા નદી કિનારે નિવૃત પોલીસ કર્મી અને અન્ય એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરાયા

ભરૂચના નર્મદા કિનારે આવેલા દશાશ્વમેઘ ઘાટ પાસે શાંતિવન સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમક્રિયાનો વિવાદ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. ભરૂચના રહેણાંક વિસ્તારમાં સ્મશાનગૃહ આવ્યું હોવાથી કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ લાવતા લોકોએ કોરોનાના જોખમના ડરે વિરોધ કર્યો હતો. જોકે પોલીસ અને તંત્રની સમજાવટ બાદ 24 કલાક મૃતદેહ રઝળ્યા બાદ નિવૃત પોલીસકર્મીના અંતિમ સંસ્કાર નર્મદા કિનારે કરવાામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિના પણ અંતિમ સંસ્કાર કરાયા હતા.

પોલીસ અને તંત્રએ સમાધાન માટે પ્રયાસો કર્યાં હતા
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલા શાંતિવન સ્મશાનગૃહમાં શુક્રવારે કોરોનાગ્રસ્ત નિવૃત પોલીસકર્મીનો મૃતદેહની અંતિમ વિધિને લઇને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જેથી અંકલેશ્વરના સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જઇ જવાયો હતો. જોકે ત્યાં પણ અંતિમવિધિને લઇને વિવાદ સર્જાયો હતો. જેથી રાત્રે મૃતદેહને ફરીથી કોવિડ-19 હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અને આજે ફરીથી ભરૂચના સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે મૃતદેહને લવાયો હતો. જ્યા ફરીથી લોકોએ વિરોધ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રની ટીમ દોડી ગઇ હતી અને લોકોને સમજાવવાના પ્રયાસો કર્યાં હતા. આ ઉપરાંત ભરૂચ પ્રાંતધિકારી એન.આર. પ્રજાપતિ સ્મશાનગૃહ પહોંચ્યા હતા અને સમાધાનના પ્રયાસો શરૂ કર્યાં હતા. છેવટે નર્મદા કિનારે અંતિમવિધિ કરવાનું નક્કી કરાયું હતું. જોકે લોકોએ ત્યાં પણ અંતિમવિધિ કરવા સામે વિરોધ કર્યો હતો. પરંતુ ભારે સમજાવટ બાદ નર્મદા નદી કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

(અહેવાલઃ પ્રકાશ મેકવાન, ભરૂચ)

અન્ય સમાચારો પણ છે...