ગેસ ટેન્કરમાં દારૂની હેરાફેરી:ગોવાથી ગોધરા લઈ જવાઈ રહેલો 65 લાખ રૂપિયાનો દારૂ ભરૂચમાં ઝડપાયો, ઈંગ્લીશ દારૂની 64,800 બોટલ મળી આવી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના બે આરોપીઓ વોન્ટેડ, ગોવાથી માલ કોણે ભરાવ્યો અને ગોધરામાં કોણે મંગાવ્યો તપાસ શરૂ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાલેજ હાઇવે ઉપર વોચ ગોઠવી સિટી પોઇન્ટ હોટલ નજીકથી દારૂની 64800 બોટલો સાથે કુલ 75.87 લાખના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.

રંગોના પર્વ હોળી-ધૂળેટીએ દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે LCB ને સૂચના આપી હતી. એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટે ટીમો બનાવી ક્વોલિટી કેસો શોધી કાઢવા એલર્ટ કર્યા હતા.રવિવારે રાતે PSI પી.એમ.વાળા અને તેમની ટીમ બાતમી આધારે પાલેજ NH 48 ઉપર વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું ગેસ ટેન્કર આવતા તેને અટકાવાયું હતું. પોકેટ કોપ મોબાઇલની મદદથી જોતા ગેસ ટેન્કરનો ઓરીજનલ નંબર RJ 06 CD 1923 બદલી નખાયો હતો. ગેસ ટેન્કર ખોલી તપાસ કરતા અંદર દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.

ટેન્કર ચાલક રાજસ્થાનના ઉદયપુરના ધર્મેશ પુરષોતમ ચોબીસાની ધરપકડ કરી ગેસ ટેન્કરની આડમાં રહેલ દારૂની 1350 પેટીઓ, 64800 બોટલ કિંમત રૂપિયા 64.80 લાખ, બે મોબાઈલ, ટેન્કર મળી કુલ પોણા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજસ્થાનના બે આરોપી વિક્રમસિંગ રાઠોડ અને દેવીલાલ ટીલારામને વોન્ટેડ જાહેર કરાયા છે.ગોવાથી ગેસ ટેન્કરમાં કોણે દારૂ ભરાવ્યો હતો અને ગોધરામાં કોણે મંગાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...