કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળ્યે સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ભવિષ્યમાં ભરૂચમાં સક્રિય રહેશે તેમ આજે બુધવારે ભરૂચની મુલાકાત વેળાએ તેમણે જણાવ્યું હતું.
રાજકારણમાં મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય રહીશઃ મુમતાઝ પટેલ
મરહૂમ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે આજે બુધવારે ભરૂચ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં તે પણ ભરૂચમાં સક્રિય રહેશે. પોલિટિક્સમાં સારું કામ જરૂર કરીશ. અમે પિતા અહેમદભાઈના પોલિટિકલ વારસદાર નથી પણ રાજકારણમાં સારો મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય રહીશ. કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જાય છે, તેને પણ સમસ્યા ગણાવી આ સિલસીલાને બદલવો પડશે તેમ મુમતાઝ પટેલે કહ્યું હતું.
યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે
અગાઉ મુમતાઝ પટેલ કહી ચુક્યાં છે કે, તેઓ સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે, તેમનો જન્મ તેના માટે થયો છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે.
રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બની
તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. હવે મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બનતી હોવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેઓ માટે કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક ઉપર નજર દોડાવે તેવી ચર્ચા પણ કોંગ્રેસ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.