ભરૂચની કોલેજમાં વિવાદ:કે.જે. પોલિટેક્નિકના સંકુલમાં બેસેલાં છાત્રને સિક્યોરિટી ગાર્ડે તમાચા ઝીંક્યાં, અપશબ્દો ભાંડ્યા

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘અહીં કેમ બેઠો છે, ક્લાસમાં જા’ તેમ કહી સિક્યુરિટી ગાર્ડે છાત્રને અપશબ્દો ભાંડતાં મામલો બિચક્યો

ભરૂચની કે. જે. પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો એક છાત્ર કેમ્પસમાં બેઠો હતો. તે વેળાં કોલેજના એક સિક્યુરિટી ગાર્ડે તેને તું અહીં કેમ બેઠો છે, ક્લાસમાં જતો રહે તેમ કહીં ઠપકો આપતાં છાત્રએ બાદમાં જવાનું કહેતાં ગાર્ડે તેને અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. બન્ને પક્ષે તુતુમેંમેં થતાં ઉશ્કેરાયેલાં સિક્યુરિટી ગાર્ડે તેને તમાચા ઝીંકી દીધાં હતાં. ઘટનાને પગલે વિવાદ સર્જાતાં એનએસયુઆઇની ટીમે પ્રિન્સિપાલ સાથે બેઠક કરી સિક્યુરિટી ગાર્ડને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. બનાવમાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના કેલોદ ગામે રહેતો 17 વર્ષીય રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જાદવ શહેરની કે. જે. પોલિટેક્નિક કોલેજમાં ઇલેક્ટ્રીકલ બ્રાન્ચમાં પ્રથમ વર્ષમાં અભ્યસ કરે છે. મંગળવારે તે નિત્યક્રમ મુજબ કોલેજમાં ગયો હતો બપોરના સવાબાર વાગ્યાના અરસામાં તે કોલેજ કેમ્પસમાં બેઠો હતો. તે વેળાં ત્યાં ફરજ બજાવતો કોલેજનો એક સિક્યુરિટી ગાર્ડ તેની પાસે આવી પહોંચ્યો હતો. તેણે રવિરાજસિંહને ક્લાસમાં જવા કહેતાં રવિરાજે તેને બાદમાં જઉ છું તેમ કહેતાં ગાર્ડે તેને તાત્કાલિક ત્યાંથી ઉઠી જવા અને ક્લાસમાં જવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થતાં સિક્યુરિટી ગાર્ડે તેને અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાતાં ગાર્ડે આવેશમાં આવી જઇ તેને તમાચા ઝીંકી દીધાં હતાં.

ઘટનાને પગલે અન્ય સિક્યુરિટી ગાર્ડસ તેમજ છાત્રો ત્યાં એકત્ર થઇ જતાં તેમણે સિક્યુરિટી ગાર્ડને ત્યાંથી દુર ખસેડ્યો હતો. ઘટનાની જાણ ભરૂચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા અને ભરૂચ જિલ્લા NSUI ના પ્રમુખ યોગી પટેલ, નેશનલ કારોબારી સભ્ય નિલરાજ ચાવડા,કેમ્પસ પ્રમુખ હર્ષ પરમારને થતા જ તેમણે કોલેજ ખાતે પહોંચી કોલેજના પ્રિન્સિપાલ સાથે બેઠક કરી ગાર્ડને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

સિક્યુરિટી ગાર્ડે મને અપશબ્દો ઉચ્ચારી તમાચા મારી દીધાં
હું કેમ્પસમાં બેઠો હતો. તે વેળાં સિક્યુરિટી ગાર્ડે મારી પાસે આવી મને રૂમમાં જવા કહેતાં મે તેને પછી જઉં છું કહેતાં તેણે અચાનક મને અપશબ્દો ઉચ્ચારવા માંડ્યો હતો. મે તેને અપશબ્દો બોલવાની ના પાડતાં તેને મારી સાથે ઝપાઝપી કરી મને તમાચા ઝીંકી દીધાં હતાં. જેના પગલે મે પોલીસ ફરિયાદ આપી છે. - રવિરાજસિંહ જાદવ, ભોગ બનનાર છાત્ર

વિદ્યાર્થી જગતની આ એક દુ:ખદ ઘટના કહીં શકાય
કેમ્પસમાં છાત્રો નિર્ભય અને મુક્તપણે રહે તેવું વાતાવરણ જોઇએ. ત્યાં આ ઘટના ખુબ જ દુ:ખદ ઘટના કહીં શકાય. જેથી ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે કોલેજ પ્રશાસન પાસેથી બાંહેધરી લીધી હતી. - યોગી પટેલ, પ્રમુખ, એનએસયુઆઇ.

ગાર્ડ સામે કાર્યવાહી કરવાની પ્રિન્સિપાલે બાંહેધરી આપી
ઘટનાને પગલે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા અને ભરૂચ જિલ્લા NSUI ના પ્રમુખ યોગી પટેલ તેમજ તેમની ટીમે પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી હતી. જેમાં પ્રિન્સિપાલે તેમને બાંહેધરી આપી હતી કે, તેઓ ગાર્ડ સામે કાર્યવાહી કરશે. સસ્પેન્શનનો અધિકાર તેમને ન હોઇ તે માટેની પ્રોસેસ પણ તેઓ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...