તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Killer Game Played In Business, An Electric Contractor Called His Brother in law From Bihar And Fired At His Friend, Killing Him.

હત્યાનો ભેદ ઉકેલાયો:ધંધાકીય લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરે બિહારથી સાળાને બોલાવી મિત્ર પર ફાયરિંગ કરાવી મોતને ઘાટ ઉતાર્યો

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટ ધરાવનારનો સાળો બસમાં ચોખાની બોરીમાં 8 રાઉન્ડની પિસ્તોલ લઈ આવ્યો
  • જિલ્લા પોલીસે સાળા-બનેવી હત્યારાઓને ગણતરીના કલાકોમાં દબોચ્યા

વાગરા તાલુકાની સાયખા GIDCમાં ભેરસમ જવાના સુમસામ માર્ગે ગુરૂવારે રાતે નાણાંની લેવડદેવડમાં જુબિલિયન્ટ કંપનીના કર્મચારી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં કાવતરું રચનાર હત્યારા સાળા-બનેવીને ઝડપી પાડ્યા છે. વાગરાની સાયખા GIDC માં ગુરૂવારે રાતે વિલાયતના નાગરવાડ ફળિયામાં રહેતા 39 વર્ષીય અશ્વિનભાઇ ઉર્ફે શંભુ રમેશભાઇ પટેલ ઉપર અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હોવાની જાણ થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી પકડાયા
જુબિલિયન્ટ કંપનીમાં નોકરી કરતા અશ્વિનભાઈની હત્યાનો ભેદ ઉકેલવા LCB, SOG, પેરોલ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી. હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે સરફે આલમ મહંમદ સમસુદ્દીન મંસુરી રહે. વાગરા અને મસીહુલ આલમ સૈફુલ આજમ ભોલામીયા રહેવાશી, ખમીયા ઇનરવા, બિહારએ ભેગા મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.

હત્યામાં બનેવી-સાળા બન્નેને વાગરા ખાતેથી પકડી પાડવામાં આવ્યા
ફાયરિંગ કરી હત્યામાં બનેવી-સાળા બન્નેને વાગરા ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ શુક્રવારે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરફે આલમની જુબિલિયન્ટ, ફર્મેટા બાયોટેક અને ઘરડા કેમીકલ કંપનીમાં ઇલેક્ટ્રીકલ જોબ વર્કનું કામ ચાલતું હતું. જેમાં જુબિલિયન્ટકંપનીમાં કામ કરતા અશ્વિન ઉર્ફે શંભુ સાથે વર્ષ 2009 થી મિત્રતા થઈ હતી. ત્યાર બાદ તેઓની સાથે પૈસાની લેવડદેવડનો વ્યવહાર ચાલતો હતો. નાણાકીય લેતીદેતીમાં કોઇ કારણસર ખટરાગ થયો હતો. આરોપી સરફે આલમે અશ્વિન પટેલનું ખુન કરવા માટે તેના સગા સાળા મસીહુલ ભોલેમીયાને હથિયાર સાથે બિહારથી બોલાવ્યો હતો.

બસમાં ચોખાની બોરીમાં 8 રાઉન્ડની 7.65 MM પિસ્તોલ સંતાડી વાગરા લાવ્યો
મસીહુલ આલમ પકડાઇ જવાના ડરથી બિહારથી બસમાં ચોખાની બોરીમાં 8 રાઉન્ડની 7.65 MM પિસ્તોલ સંતાડી વાગરા લાવ્યો હતો. ધંધાકીય મિટિંગ માટે મૃતક અશ્વિનભાઈને સરફે આલમે ભેરસમ જવાના સુમસામ માર્ગે રાતે બોલાવતા મસીહુલ આલમે પાછળથી ગરદન તથા છાતી ઉપર કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યારા સાળા-બનેવીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી પિસ્તોલ કબ્જે કરવા સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા કર્યા બાદ પિસ્તોલ તળાવમાં ફેંકી દીધી

વાગરા ખાતે રહેતા અને મૂળ બિહારના શખ્સે તેના સાળા સાથે મળીગુરુવારની રાત્રીએ બંનેયે અશ્વિનની સાયખા રોડ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યા કરી નાખી હતી.સાળા-બનેવીએ પોલીસ જોડે પકડાઈ જવાના ડરે પિસ્તોલને વાગરાના તળાવમાં ફેંકી દીધી હોવાનું સુત્રોમાંથી માહિતી મળી હતી.ત્યાર બાદ સ્થાનિક પોલીસે SDRFની ટીમો બોલાવીને હથિયાર શોધવાની કાર્યવાહી કરી હતી.

ગણતરીના કલાકોમાં જ હત્યારા ઝડપાયા
વાગરામાં એક યુવકની હત્યા કરાઈ હતી. જેની માહિતી મળતા જ અધિકારીઓ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા મરનાર યુવક વિલાયતનો હોવાનું ખુલ્યું હતું. હ્યુુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમથી આરોપીને એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને વાગરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાંજ સાળા-બનેવીને ઝડપી પાડયા હતા.> રાજેન્દ્રસિંહ ચુડાસમા,એસપી,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...