કેસરીયો ખેસ પહેર્યો:દારૂબંધી હટાવવાની માગ કરનારા ખુમાનસિંહ ફરી ભાજપમાં જોડાયાં

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં અપક્ષ ચૂંટણી લડનારા ભાજપમાંથી સસ્પેન્ડ થયાં હતાં

રાજયના પુર્વ શહેરી વિકાસમંત્રી અને 2017ની વિધાનસભાની ચુંટણી બાદ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલાં ખુમાનસિંહ વાંસીયા ફરી ભાજપમાં સામેલ થયાં છે. ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેમને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાયેલાં ખુમાનસિંહ વાંસીયા રાજયમાંથી દારૂબંધી હટાવી લેવાના ચુસ્ત હિમાયતી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપમાં સામેલ થવા માટે નેતાઓની હોડ લાગી છે. આ યાદીમાં હવે ભરૂચની હરસિધ્ધિ કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસીયાનું નામ ઉમેરાયું છે. ભાજપમાં જિલ્લા મંત્રી તરીકે રાજકીય સફર શરૂ કરનારા ખુમાનસિંહ વાંસીયાને 2017ની વિધાનસભાની ચુંટણી બાદ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેમણે જંબુસર વિધાનસભાની ચુંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ જીતી શકયા ન હતાં પણ મતોનું ધ્રુવીકરણ થવાથી ભાજપના ઉમેદવાર છત્રસિંહ મોરી નજીવા મતોથી ચુંટણી હારી ગયાં હતાં.

ખુમાનસિંહ વાંસીયા ગંગાસ્વરૂપ બહેનોને પેન્શન સહિતના લાભો મળે તે માટે લડત ચલાવતાં આવ્યાં છે. તેઓ રાજયમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે તેના ચુસ્ત હિમાયતી રહયાં છે. રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડધમ વાગી રહયાં છે ત્યારે ખુમાનસિંહ વાંસીયા ફરી ભાજપમાં સામેલ થયાં છે. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે તેમને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...