પ્રજાને વધુ એક લાલીપોપ:કબીરવડના વિકાસની સરકારને ચૂંટણી ટાણે જ યાદ આવી, ભાજપ પ્રમુખ મેદાને

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુકલતીર્થ, મંગલેશ્વર, અંગારેશ્વર અને કબીરવડના વિકાસનો 50 કરોડનો પ્રોજેક્ટ11 વર્ષથી આગળ ધપતો નથી

ભરૂચમાં સુપ્રસિદ્ધ પ્રવાસનધામ કબીરવડને ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવાનો રૂપિયા 50 કરોડનો પ્રોજેકટ છેલ્લા 11 વર્ષથી ગોકળ ગતિએ આગળ ધપી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ વર્ષોથી જિલ્લા પંચાયતમાં બિટીપી અને કોંગ્રેસનું રાજ હોવાનું પાંગળુ બહાનુ આગળ ધરી રહી છે.

રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય અને કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર તેમજ શુકલતીર્થ પ્રવાસનધામ વિકસાવવા બન્નેએ મંજૂરીની મહોર મારી હોવા છતાં વિકાસ આટલા વર્ષોથી વિલંબમાં હોય તે પ્રજા સમજી શકતી નથી. હવે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચનું સુપ્રસિદ્ધ કબીરવડ વિકસાવવાની નેમ જિલ્લા ભાજપ વ્યક્ત કરી રહ્યું છે. જેને પ્રજા માત્ર ઇલેક્શન યરની વધુ એક લાલીપોપ જ હાલ તો ગણાવી રહી છે.

છેલ્લા 11 વર્ષમાં કેટલાય સર્વે, જાહેરાત, પ્રોટેક્શન વોલની કામગીરી, વોટર સ્પોર્ટ્સ, રોપ વે, બોટીંગ સહિતનું આયોજન કરવામાં આવનાર હતું. જોકે હજી સુધી અંગારેશ્વર, મંગલેશ્વર, કબીરવડ ખાતે ધોવાણને અટકાવવા પ્રોટેક્શન વોલની કામગીરી જ પૂર્ણ કરવામાં આવી નથી. ત્યારે આ ચાર યાત્રાધામને પ્રવાસન હેઠળ વિકસાવવાની કામગીરીની ગાડી હજી ઉપડી શકી જ નથી. હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ વચ્ચે કેવી રીતે અને ક્યારે વિકાસ કામગીરી શરૂ કરાઇ છે તે ગ્રામજનો અને જિલ્લાની પ્રજામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

યાત્રાધામને વિકસાવવા ઝડપથી કામગીરી હાથ ધરાશે
રાજ્યની ભાજપા સરકાર દ્વારા યાત્રાધામોને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને નર્મદા નદી કીનારે આવેલા કબીરવડ હોય કે શુક્લતિર્થ તેના વિકાસ માટે હંમેશા આગળ આવ્યા છે. નર્મદા પરિક્રમાએ આવતા શ્રદ્ધાળુઓ માટે પણ વિવિધ સ્થળે સુવિધા ઉભી કરાઇ છે. છેલ્લી બે ટર્મથી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને બીટીપીનું શાસન હતું ત્યારે આ પ્રવાસન ધામો વિકાસથી વંચીત રહ્યા છે. જેનો ભાજપના શાસનમાં ઝડપી વિકાસ થશે. - મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...