ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક સ્થિત જે.બી મોદી ગાર્ડન જાળવણીના અભાવે નામશેષ થવાના આરે આવીનો ઉભો છે. છેલ્લા ઘણા સમયથી ગાર્ડનમાં રહેલી તમામ વસ્તુઓ જર્જરિત થઈ છે. અનેકવાર સીનીયર સિટીઝનોએ રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. બાગના સંચાલકોએ ત્વરિત કામગીરી કરવાની ખાતરી આપી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં રહેતા સીનીયર સીટીઝન અને બાળકોને મોર્નિંગ વોક તેમજ રમત ગમતના સાધનો સાથેનું ગાર્ડન મળે તે માટે જે.બી.મોદી પાર્ક સ્થિત જે.બી મોદી ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ઉદાસીન નીતિને પગલે ગાર્ડન જંગલમાં પરિવર્તિત થઇ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગાર્ડનમાં આવેલ હીંચકો, ચક્કેડી, લાકડાનો બ્રીજ અને રેલીગ તેમજ એક્યુપ્રેશર પથ્થરનો રેમ્પ પર ખાડા પડી ગયા છે તો સાધનો તૂટી પડવાથી ગાર્ડન હવે જંગલમાં પરિવર્તિત થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
પાણીનો હોજ દુષિત બન્યો છે જેને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.જયારે ૧૯ જેટલી એલઇડી લાઈટ બંધ હાલતમાં છે.સાથે ફુવારો પણ બંધ હોવા સહીત શૌચાલયો પણ જર્જરિત બની ગયા હોવાથી ગાર્ડન જાણે ઉજ્જડ વન બની બિહામણો લાગી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા લેવામાં નહીં આવતા સિનીયર સિટીઝનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વહેલી તકે બાગના સંચાલકોએ ત્વરિત કામગીરી કરવાની ખાતરી આપતા મામલો થાણે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.