જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી આજે શનિવારે ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સ્વાગત માટે પહોંચતા રાજકીય ક્ષેત્રે પુનઃ એકવાર ગરમાટો જોવા મળ્યો છે. જંબુસરના વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપશે તેવી અટકળો ચાલી રહી છે. આજે જંબુસર ખાતે ખેડૂતોની સુખાકારી માટે APMCનું નવું મકાન, રેસ્ટ હાઉસ તથા ખેડૂત કેન્ટીનનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. આજરોજ આ ત્રણેય નવા પ્રકલ્પોનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સંજય સોલંકીએ સી.આર.પાટીલને ગુલદસ્તો આપી સ્વાગત કર્યું
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજરોજ જંબુસર ખાતે નવનિર્મિત ૩ પ્રકલ્પોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. તેઓ હેલીકોપ્ટર મારફતે જંબુસર પહોચ્યા હતા. જ્યાં હેલીપેડ ઉપર ભરૂચ જીલ્લા ભાજપાના અમોવાડી મંડળ સાથે સાથે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે ઉપસ્થિત હતા. સંજય સોલંકીએ સી.આર.પાટીલને ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું અને ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ તેમનો પરિચય પણ કરાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના રાજકારણમાં પુનઃ એકવાર ગરમાટો
સંજય સોલંકી ગત ટર્મમાં કોંગ્રેસના બેનર હેઠળ વિજેતા બન્યા હતા અને હવે ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં જોડાયા તે વાતે ભરૂચ જિલ્લાના રાજકારણમાં પુનઃ એકવાર ગરમાટો લાવી દીધો છે. અગાઉ જંબુસરમાંથી જ કોંગ્રેસના બેનર હેઠળ જીતેલા એક ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ આપ્યો છે. ત્યારે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય તેનું પુનરાવર્તન કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
કોંગ્રેસ પાસે જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક માત્ર બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાસે જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક માત્ર બેઠક છે. ત્યારે આ બેઠક ઉપર પણ વર્તમાન ધારાસભ્યના વ્યવહારથી કોંગ્રેસને વધુ એક ઝટકો પડે તેવી શક્યતા છે. હાલ તો ભાજપા ગેલમાં આવી ગયું છે અને કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્ય વિરૂદ્ધ પગલા ભરાય છે કે કેમ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ત્રણેય નવા પ્રકલ્પોનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
નોંધનીય છે કે આજે જંબુસર ખાતે ખેડૂતોની સુખાકારી માટે APMCનું નવું મકાન, રેસ્ટ હાઉસ તથા ખેડૂત કેન્ટીનનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. આજરોજ આ ત્રણેય નવા પ્રકલ્પોનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી જગદીશભાઈ પંચાલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.