વાતાવરણમાં પલટો:રાજપીપળામાં એક કલાકમાં 1 ઇંચ, ભરૂચમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં માવઠું, જગતનો તાત ચિંતિત
  • અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી વાતાવરણમાં પલટો, આજે પણ વરસાદની વકી: શહેરમાં માટીની સુવાસથી લોકો પ્રફુલ્લિત થયાં, ગામડાઓમાં ખેડૂતોના માથે ચિંતાની લકીર
  • ઘઉં, કપાસ અને તુવેરના પાકને નુકશાનની ભીતિ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં રાજપીપળામાં માત્ર એક જ કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભરૂચમાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. શિયાળામાં પડેલાં માવઠાને કારણે ઘઉં, કપાસ તેમજ તુવેરના પાકને નુકશાનની ભિતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલ બપોરથી વાદળછાયું વાતાવરણ થવા સાથે બે દિવસમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

દરમિયાનમાં આજે ગુરૂવારે સવારના સમયે આંશિક ગરમીની અસર વર્તાયા બાદ બપોરના સમયે અચાનક પંથકમાં ઠંડક પ્રસરવા સાથે જોરદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. દિવસભરમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં પોણો ઇંચ, જંબુસરમાં 4 મિમી, આમોદ-ઝઘડિયામાં 3-3 મિમી તેમજ વાલિયામાં 2 મિમી વરસાદ વરસ્યો હતો.

જ્યારે નર્મદા જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. રાજપીપળામાં માત્ર એક જ કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. એક તરફ ખેડૂતો દ્વારા રવિપાકની વાવણી કરવામાં આવી રહી છે. ત્યાં અચાનક થયેલાં માવઠાને કારણે ઘઉં, કપાસ તેમજ તુવેરના પાકને નુકશાનની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે. અચાનક વરસાદ વરસતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

બન્ને જિલ્લામાં લગ્નસરા વચ્ચે માવઠાથી આયોજકો મુશ્કેલીમાં
દેવઉઠી અગિયારસ બાદ લગ્ન સહિતના ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થતી હોય છે. હાલમાં લગ્નની મોસમ જામી છે. જિલ્લામાં કેટલાંય લગ્નોના મંડમ સજાવી દેવાયાં છે. ત્યારે કમોસમી વરસાદથી લગ્નસરા વચ્ચે આયોજકો તેમજ યજમાનો મુશ્કેલીમાં મુકાયાં હતાં.

ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ
ભરૂચ જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. હજી, તેઓ તેમાંથી બહાર નિકળે ત્યાં ભરૂચ અને વાગરા તાલુકાના ગામડાઓમાં હવા પ્રદુષણના કારણે ખેતીને નુકશાન થતાં ચોમાસુ પાકમાં ખેડૂતોની આશા નઠારી નિવડી હતી. ત્યાં હવે માવઠું થતાં રવિપાકમાં પણ નુકશાનીની ભિતી વચ્ચે ખેડૂતો માટે પડતા પર પાટું જેવા ઘાટ થયાં છે.

કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓ ભિંજાયા
કેવડિયા : નર્મદા જિલ્લામાં બપોરેના ગાજવીજ સાથે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી પડી હતી, કેવડિયામાં પણ બે કલાક સારો વરસાદ પડતા ચારે કોર પાણી જ પાણી જ થઇ ગયું હતું. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જીવ આવનારા પ્રવાસીઓ પણ પલળ્યા હતા. જોકે ઠંડી સાથે ચોમાસાની બેવડી ઋતુની મોજ માણી હતી.કેવડિયા વિસ્તાર માં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. જોકે શિયાળુ ખેતી જ્યા પાણીની વ્યસ્થા છે ત્યાં ખેડૂતો કરે છે હાલ કમૌસમી વરસાદ ને કારણે આ શિયાળુ પાકને મોટું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...