ભરૂચ એસઓજીએ શક્તિનાથ સર્કલ પાસથી 35 લાખની માતબર રકમ સાથે ઝડપી પાડલાં શખ્સે પ્રાથમિક પુછપરછમાં તેે કપાસનો વેપારી હોઇ મહેસાણાના કડી ખાતેથી વેપારના રૂપિયા આવ્યાં હોવાની કેફિયત રજૂ કરી છે. જોકે, એસઓજીએ આંગડિયા પેઢીના સંચાલકની પુછપરછની કવાયત શરૂ કરી છે.
પારખેતના એક શખ્સને એસઓજીની ટીમે 35 લાખની બિનહિસાબી અને આંગડિયા મારફતે મેળવેલી માતબર રકમ સાથે ઝડપી પાડયતાં હવાલા કૌભાંડનું ભુત પુન: ધુણ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે શહેરના શક્તિનાથ સર્કલ પાસેથી કારમાં 35 લાખ જેવી બિનહિસાબી માતબર રકમ લઇ જતાં પારખેત ગામના દિલાવર મુસા ઉમરજી વોરા પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
તેણે કબુલ્યું હતું કે, તે કપાસનો વેપારી છે અને કપાસના રૂપિયા મહેસાણાના કડી ખાતેથી કોઇએ આંગડિયા પેઢી મારફતે મોકલાવ્યાં હતાં. જે ઉપાડીને તે ખેડૂતોને આપવા જઇ રહ્યો હતો. જોકે, તેની પાસે રૂપિયાને લઇને આધારપુરાવાની માંગણી કરતાં કાંઇ મળી આવ્યું ન હતું. જેના પગલે ટીમે તેની સામે 41(1)ડી હેઠળ ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.
રૂપિયા બિનહિસાબી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતાં ટીમે આંગડિયા પેઢીની પુછપરછની કવાયત હાથ ધરી છે. ઉપરાંત રૂપિયા મોકલનારની પણ પુછપરછ કરવામાં આવશે. ટીમે રૂપિયાની લેવડ દેવડમાં જીએસટી-ઇન્કમટેક્ષ ચોરીની પણ સંભાવના હોઇ બન્ને વિભાગોને એસઓજી દ્વારા રિપોર્ટ કરી જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.