ભાસ્કર વિશેષ:ભરૂચમાં રોજગારી, જમીન વળતરના પ્રશ્નોની રજૂઆત

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના આયોજન ભવન ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં પ્રભારી મંત્રી હાજર રહ્યા હતા. - Divya Bhaskar
ભરૂચના આયોજન ભવન ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં પ્રભારી મંત્રી હાજર રહ્યા હતા.
  • જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રભારી મંત્રી સમક્ષ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા

રાજયના નાગરિક ઉડ્ડયન અને ભરૂચના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાની કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી અને વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડુતોને યોગ્ય વળતર મળે તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં.ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડુતો યોગ્ય વળતર માટે લડત ચલાવી રહયાં છે. ખાસ કરીને વલસાડ, સુરત અને નવસારી જિલ્લાના ખેડુતોને જમીનના ખુબ ઉંચા ભાવ આપવામાં આવ્યાં છે જયારે ભરૂચના ખેડુતોની જમીનો કોડીના ભાવે લઇ લેવામાં આવી હોવાનો આક્ષેપ થઇ રહયાં છે.

બે દિવસ પહેલાં જ હજારોની સંખ્યામાં ખેડુતોએ વળતરના મુ્દે ભરૂચ કલેકટર કચેરીને ઘેરાવો કર્યો હતો. ભરૂચ જીલ્લાની સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉછળ્યો હતો.જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાઓ, સ્વચ્છતા, ગટરલાઇનના પ્રશ્નો, ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાધાન્ય જેવા મુદ્દાઓ પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, આ પ્રશ્નોના ઝડપભેર અને સંતોષકારક નિવારણ માટે જિલ્લા પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગીય અધિકારીઓને સૂચના આપી હતી.જીલ્લા આયોજન કચેરી સભાખંડ ખાતે મળેલી બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...