ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોંઘવારીનો માર અને ધર્મનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોના દોરમાં રાજકિય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. એક તરફ શિયાળાની શરૂઆતને લઇને રાત્રીના સમયે ગુલાબી ઠંડીમાં લોકોની ચર્ચાઓથી ગરમાવો થઇ રહ્યો છે. હાઇવે નજીક આવેલાં ગામોમાં યુવાઓ હાઇવે પરની હોટલોમાં એકત્ર થઇ દેશના રાજકારણનું ગણિત કરતાં જોવા મળ્યાં હતાં.જ્યારે ગામોમાં વડીલોની ઓટલા બેઠક પણ જામેલી જોવા મળી હતી. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં અનેકવિધ મુદ્દાઓ સામે આવ્યાં હતાં.

ગામડાઓમાં આવકની સામે જાવક વધુ હોવાને કારણે મોંઘવારીનો મુદ્દો સૌથી વધુ ચર્ચાઇ રહ્યો છે. જેમાં વીજ બીલ, ગેસના બોટલની કિંમત, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિત રોજિંદા જરૂરિયાતની વસ્તુઓના ભાવો તેમજ રોજગારી સહિતના મુદ્દા બીજી તરફ કશ્મીરમાં 370ની કલમ, રામ મંદીર, ધાર્મિક સ્થળોની કાયાપલટ સહિતના ધાર્મિક મુદ્દાઓ પણ એટલાં જ ચર્ચામાં રહ્યાં હતાં. કેટલાંક ગામડાઓમાં ચૂંટણીનું રાજકારણ દેખાઇ રહ્યું હતું. જ્યારે કેટલાંક ગામોમાં મતદારોમાં નિરસતા જોઇ મતદાનને લઇને પણ પ્રશ્ન સર્જાયાં હતાં.

સિતપોણ: ચ્હાની ચુસકી અને બીડીના કસ સાથે વૃદ્ધોનો દેખાયો ચૂંટણી ચર્ચામાં રસ
સિતપોણ ગામની ભાગોળે ભેગા થઇ વૃદ્ધોએ ચ્હાની ચુસકી અને બીડીના કસ સાથે ચુંટણીની ચર્ચામાં રસ દાખવી રહ્યાં હતાં. સોંઘવારી અને મોંઘવારીના દાયકાઓ જોયા હોવાનું કહીં તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગે ચુંટણીના ટાણે જેવા વાયદાઓ થાય છે તે જો ખરેખર પુરા થાય તો કોઇ સમસ્યાઓ જ ન રહે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કામો થતાં નથી.

માંડવા: મોસાળે જમણ ને મા પીરસનાર જેવો ઘાટ
અંકલેશ્વર હાઇવે નજીક આવેલાં માંડવા ગામમાં અનેરો માહોલ છે. કોંગ્રેસે આ ગામમાંથી ઉમેદવારની પસંદગી કરી છે. માંડવા ગામમાં હજી માળખાકીય સુવિધાઓનો અભાવ છે અને આ ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે પુરતા પગલાં ભરવામાં આવે તેવી લોકોની માગણી છે.

ભોલાવ: સરકારી નોકરી મળે તેવી યુવાવર્ગને આશા
ભરૂચના ભોલાવ ગામમાં સૌથી વધુ સોસાયટી વિસ્તાર આવેલો છે. જેમાં શિક્ષિત લોકોની સંખ્યા વધુ છે. સોડાની દુકાનો અને પાનના ગલ્લા પર એકત્ર થયેલાં લોકોમાં હાલમાં ચૂંટણીને લઇને ચર્ચાઓ થતી સહજ રીતે જોવા મળી જાય છે. જેમાં રોજગારી, મોંઘવારી, વીજબીલ, ગેસ બીલ સહિતના સામાન્ય મુદ્દાઓ પણ ચર્ચાનો બેઝ બને છે. જ્યારે કેટલીંક જગ્યાએ રામમંદિર નિર્માણ, કશ્મીરની કલમ 370 સહિત વિવિધ ધાર્મિક સ્થળોના નવીનીકરણના મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યાં હતાં.

અંદાડા: આપણે તો રોજનું કમાઇને ખાવાનું
અંક્લેશ્વર તાલુકામાં આવેલાં અંદાડા ગામને સિમાંકન બદલાયા બાદ ભરૂચ વિધાનસભામાં સમાવવામાં આવ્યું છે. સ્થાનિકો સાથે પરપ્રાંતિયોની મોટી વસ્તી આ ગામમાં આવેલી છે. મોટાભાગના લોકો કંપનીઓમાં શ્રમજીવી તરીકે જાય છે. ત્યારે મોંઘવારીનો પ્રશ્ન સ્થાનિકોમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. રોજ કમાઇ ખાવાનું તેવી સ્થિતી વચ્ચે સારી રોજગારીની પણ આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. જે આવે તે પણ ગરીબોનું ધ્યાન રાખે તે જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

તવરા: ખેતી માટે વીજળીનો પ્રશ્ન કરંટમાં
ભરૂચ તાલુકામાં આવેલાં તવરા ગામના લોકો માને છે કે, ખેડૂતોના પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવું જોઇએ નર્મદા નદીના કિનારે રહેતા હોવા છતાંય ગામમાં મીઠું પાણી મળતું નથી. ખેતી માટે પણ નહેર પર આશ્રિત રહેવું પડે છે. ઉપરાંત હાલમાં માત્ર 8 કલાક વીજળી અપાય છે. જેને 12 કલાક કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...