ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વાલિયાના મતદારો માટે મોંઘવારી અને ખરાબ રસ્તાઓનો મુખ્ય મુદ્દો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરેક ચૂંટણીમાં મતદાનમાં અગ્રેસર રહેતા મતદારો હવે જાગૃત ઉમેદવાર માગી રહ્યાં છે

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં મતદાનની ટકાવારી સૌથી વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. થોડા મહિનાઓ પહેલાં થયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પહેલી ડીસેમ્બરના રોજ વાલિયા તાલુકાના મતદારો ઝઘડીયા વિધાનસભા બેઠક માટે મતદાન કરશે ત્યારે વાલિયાના ગામડાઓમાં શિયાળાની ઠંડી વચ્ચે રાજકીય ચર્ચાઓથી માહોલ ગરમાય રહયો છે. મતદાન કરવામાં જાગૃત મતદારો હવે ઉમેદવાર પણ જાગૃત હોવો જોઇએ તેવો મત વ્યકત કરી રહયાં છે.

જબુગામ ઃ સુવિધાઓ તો મળી પણ હજી પછાતપણાનો અહેસાસ થઇ રહ્યો છે
વાલિયા તાલુકાના જબુગામમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ગામમાં માળખાકીય સુવિધાઓ તો જોવા મળી પણ હજી ગામ પછાત હોવાનો અહેસાસ થઇ રહયો છે. ચુંટણી આવી છે ત્યારે રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોની ચહલપહલ વધી છે. ગામના રહેવાસી પ્રવિણ વસાવાએ જણાવ્યું હતું કે, અમારા માટે વિકાસ મહત્વનો મુદ્દો છે. ગામમાં કેટલીય સુવિધાઓ હજી ખુટી રહી છે તેને પુરી કરવામાં આવે તે જરૂરી છે. અમારા ગામના બાળકો પણ હવે શાળાએ જવા લાગ્યાં છે અને શિક્ષણ મેળવે છે.

મોખડીઃ દર ચૂંટણીમાં મતદારોને પ્રલોભન આપવામાં આવે છે
મોખડી ગામમાં આદિવાસી મતદારોની સંખ્યા સૌથી વધારે છે. ચુંટણીનો માહોલ આ ગામમાં પણ જોવા મળી રહયો છે. સામાન્ય માણસો તેમના રોજીંદા કાર્યમાં મશગુલ છે તો રાજકારણ સાથે જોડાયેલા લોકો અત્યારે ઉત્સાહિત જોવા મળી રહયાં છે. સુધીર વસાવા નામના મતદારે સરકારે આપેલી સુવિધાઓની સરાહના કરી હતી. ગરીબ લોકોને મફત અનાજ અને મફત સારવારનો મુદ્દો મહત્વનો રહેશે. પહેલાં રાજકીય પક્ષો મરધી અને મદીરા આપી જતાં પણ હવે તે બંધ થયું છે. વર્તમાન સમયમાં મોંઘવારીની સાથે ખરાબ રસ્તાઓનો પણ મહત્વનો મુદ્દો છે. મતદારો પોતાનો ઉમેદવાર જાગૃત હોય તેવી ઇચ્છા ધરાવી રહયાં છે.

ચોરામલાઃ ચૂંટણી પહેલાં વાયદા અને પછી મતદારોનો ભાવ નથી પૂછાતો
વાલિયા તાલુકામાં મતદાનની ટકાવારી વધારે રહેતી હોય છે. શહેરી વિસ્તારો કરતાં અહીંના મતદારો ચુંટણીને લઇ ઘણા ગંભીર હોય છે. તેઓ મતાધિકાર પ્રત્યે ઘણા સભાન જોવા મળે છે. સવારથી બપોર સુધીમાં તેઓ મત આપી આવતાં હોય છે. ચોરામલા ગામના કીરીટ વસાવા કહે છે કે, દરેક પક્ષના લોકો તેમના ગામમાં પ્રચાર માટે આવે છે. ચુંટણી પહેલાં મતદારોને ખભે બેસાડે છે અને જીતી ગયાં પછી તેઓ શોધ્યાં જડતા નથી.

ભીલોડઃ ગામડાઓના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ
વાલિયાના ભીલોડ ગામમાં બિસ્માર રસ્તાઓ અંગેની ચર્ચા જોવા મળી રહી છે. ચોમાસામાં અંકલેશ્વરથી ડેડીયાપાડાનો રસ્તો બિસ્માર બની જવાથી લોકોએ વેઠેલી વેદના ઇવીએમમાં રોષ બની ઠલવાય તેવો માહોલ છે. ધવલસિંહ ખેર જણાવે છે કે, ધારોલીથી ભિલોડ, અંકલેશ્વરથી વાલીયા તેમજ વાલીયા તાલુકાના ઘણા ગામોને જોડતા રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેથી ખેડૂતોને તેના ખેત ઉત્પાદનો તેમજ ખેતીકામ માટે અગવડ પડી રહી છે.

કોંઢ ઃમોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગનું જીવવાનું મુશ્કેલ બન્યું
દેશમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. મોંઘવારીના મારે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. અસહય ભાવવધારાની ચર્ચા વાલીયાના કોંઢ ગામમાં પણ જોવા મળી હતી. હમીદ રાવતે જણાવ્યું હતું કે, આ વખતે ચુંટણીનો માહોલ ખુબ સારો છે. મતદારો પણ જાગૃત બન્યાં છે. સૌથી વધારે મહત્વનો મુદ્દો મોંઘવારી છે. મોંઘવારીને અંકુશમાં લેવા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી તે દુખની બાબત છે.જેની અસર ચુંટણીમાં જોવા મળી શકે છે તેમ પણ ગામલોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...