પંચાયતની ચૂંટણી પૂર્વે ગરમાવો:વાલિયાના વાગલખોડ ગામે બે ટોળા વચ્ચે અથડામણ, બે મહિલાની છેડતી કરી ચાર વ્યક્તિઓને માર મારી 31 ઇસમો ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના બે ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું
  • 3 ઘરોમાં તોડફોડ, 2 બાઇકને નુકશાન, રૂ. 47 હજારની લૂંટ ચલાવી હોવાની પણ ફરિયાદ
  • વિરોધી પક્ષે એક તરફી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપો કર્યા

વાલિયાના વાગલખોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હિંસક બની હતી. જેમાં એક જ કોમના બે ટોળા વચ્ચેની અથડામણમાં 3 મકાનમાં અને બે વાહનોની તોડફોડ કરાઈ હતી. જેમાં 2 મહિલાની છેડતી અને રૂ. 47 હજારની મત્તાની લૂંટનો ગુનો 31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાવવામાં આવ્યો છે.

વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગઈકાલે ગુરૂવારે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું. સભ્ય ઉમેદવાર સુનિલ ચુનીલાલ વસાવા અને તેના પરિવાર સહિત સમર્થકો ઉપર નિલેશ ઉમેદ વસાવા, અરવિંદ વસાવા, રાજેન્દ્ર રણજીત સહિતના 31 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.

આ ટોળાએ 3 ઘરોમાં તોડફોડ, 2 બાઇકને નુકશાન, બે મહિલાઓની છેડતીની સાથે 4 લોકોને માર માર્યો હતો. સાથે જ ઘરમાંથી સોનાની ચેઇન અને રોકડા મળી કુલ રૂ. 47 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે સુરેખાબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી. જો કે સામે પક્ષે આક્ષેપ કરાયો હતો કે પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી. ગામમાં ચૂંટણી ટાણે હિંસક અથડામણને લઈને DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસ કાફલાએ દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...