પેટા ચૂંટણી:ભરૂચ વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણીમાં ચતુષ્કોણિય જંગ, ચારે પક્ષોએ પોતાના મહિલા ઉમેદવાર ઉતારતા રસકસીના એંધાણ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે જંગ જામશે
  • કોંગ્રેસ પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખશે કે નહીં તેના ઉપર અટકળો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10ની મહિલા બેઠક માટે 3 ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે જંગ જામશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર 10 ના મહિલા સભ્ય અસ્માબેન ઇકબાલ શેખનું કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ થયું હતું. તેમના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર 3 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપમાંથી ફાતમાબેન ફઝલ પટેલ, કોંગ્રેસમાંથી સાયરાબાનું મોહમદ શેખ, આપમાંથી ફરીદાબાનું શેખ અને AIMIM માંથી સાદિકાબીબી શેખએ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ 21 સપ્ટેમ્બર છે. જોકે ચારેય પક્ષોએ પોતાના મહિલા ઉમેદવારો ઉતાર્યા હોય એક પણ ફોર્મ પરત નહિ ખેંચાઈ તો ચતુષ્કોનિય જંગ ખેલાવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકાના વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક કોંગ્રેસનો ગઢ છે. કોંગી મહિલા સભ્ય સ્વ. અસમાબેન ઇકબાલ શેખ 28 ફેબ્રુઆરી 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ 4319 મતોથી વિજેતા થયા હતા. કોરોનાની બીજી લહેરમાં તેઓનું મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી.

હાલ ભરૂચ પાલિકામાં ભાજપ પાસે 31, કોંગ્રેસ પાસે 10, AIMIM અને અપક્ષ 1-1 બેઠકો છે. હવે એક મહિલા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સીટ જાળવી રાખે છે કે નહીં તે 3 ઓક્ટોબરે ચૂંટણી બાદ જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...