ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર તથા રહેવાલાયક બનાવવા માટે માય લીવેબલ ભરૂચ પ્રોજેકટ ચાલી રહયો છે ત્યારે તેમાં પશ્ચિમ વિસ્તારની અવગણના થતી હોવાની ફરિયાદ કલેકટરને કરવામાં આવી છે. ભરૂચ શહેરના 40 કિમીના વિસ્તારમાં આવેલાં રસ્તાઓની દિવસમાં 3 વખત સફાઇ કરવામાં આવી રહી હોવાથી મુખ્યમાર્ગો ચોખ્ખાચણાક લાગી રહયાં છે.માય લીવેબલ ભરૂચ અંતર્ગત રસ્તાઓની સફાઇ માટે એકશન પ્લાન ઘડી નાંખવામાં આવ્યો છે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી સહિતના પશ્ચિમ વિસ્તારમાં સફાઇ બાબતે અન્યાય થઇ રહયો હોવાની લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
ભરૂચના કોલેજ રોડ પર બનેલાં ફલાયઓવરની નીચે જે પ્રમાણે રંગરોગાન અને સજાવટ કરવામાં આવી છે પણ પશ્ચિમ વિસ્તારમાં આવેલાં જંબુસર બાયપાસ ફલાયઓવરની નીચે કોઇ પણ પ્રકારનું આયોજન કરાયું નથી અને ઠેર ઠેર લારી-ગલ્લાઓ જોવા મળી રહયાં છે. આ ઉપરાંત સર્વિસ રોડની બાજુમાં કચરાના ઢગલા થઇ ગયાં છે.
પશ્ચિમ વિસ્તારમાં આવેલો ફલાય ઓવર હોવાથી તંત્ર અનદેખી કરી રહયું હોવાનો કચવાટ અહીંના લોકોમાં જોવા મળી રહયો છે. સ્થાનિક આગેવાન ઝૂબેર પટેલ કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પશ્ચિમ વિસ્તાર કે જે ચાર તાલુકા નું પ્રવેશદ્વાર છે, દાંડી હેરિટેજ માર્ગ છે, આપણી ઐતિહાસિક ધરોહર છે તેનો વિકાસ પ્લાન તૈયાર કરી ભરૂચનાં પશ્ચિમ વિસ્તાર ને પણ લિવેબલ બનાવવામાં આવે તે જરૂરી છે.
ફલાયઓવર ખાતે અનેક સમસ્યાઓ
ભરૂચની જંબુસર ચોકડીએ આવેલાં ફલાયઓવરની નીચે પથારાવાળાઓ અને વાહનોવાળા અડિંગો જમાવીને ઉભા રહેતાં હોય છે. ભૂતકાળમાં આ સ્થળે ફાયરિંગ સહિતના ગંભીર ગુનાઓ પણ બની ચુકયાં છે. આ ફલાયઓવર ખાતે આયોજનબધ્ધ રીતે પગલાં ભરવામાં આવે તો અસામાજીક પ્રવૃતિઓને રોકી શકાય તેમ હોવાની લાગણી આ વિસ્તારના રહીશોએ વ્યકત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.