તપાસ:લખીગામમાં દિયરે નજીવા મુદ્દે ભાભી અને ભત્રીજાને માર માર્યો

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં પશુઓ આવી જવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • બનાવ અંગે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાગરા તાલુકાના લખીગામ ખાતે રહેતી મહિલા અને તેનો પુત્ર ઘરે હતાં. તે વેળાં તેમના ઘર પાસે રહેતાં તેના દિયરના પશુઓ તેમના ઘરમાં આવી જતાં મહિલાના પુત્રએ તેમને બહાર કાઢતો હતો. જેની રીસ રાખી મહિલાના દિયર અને તેની પત્નીએ માતા-પુત્ર પર હૂમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા તાલુકામાં આવેલા લખીગામ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતી કનુબેન લક્ષ્મણ પઢિયાર તેમના પતિના દેહાંત બાદ તેમના પુત્ર વિજય સાથે એકલાં રહેતાં હતાં. તેમનો મોટાપુત્રના લગ્ન થઇ ગયાં હોઇ તે અલગ રહેતો હતો. દરમિયાનમાં તેમના ઘરની સામે રહેતાં તેમના દિયર છત્રસિંગ મથુર પઠિયારની ગાયો તેમજ વાછરડાં તેમના ઘરમાં આવી જતાં તેમનો પુત્ર વિજય પશુઓને હાંકીને બહાર કાઢ રહ્યો હતો. તે વેળાં તેમની દેરાણી રેવાએ આવી વિજયને અપશબ્દો ઉચ્ચારવા લાગી હતી.

જેથી કનુબેને તેમને સમજાવવા જતાં તેને દેરાણી રેવાનું ઉપરાણું લઇ દિયર છત્રસિંહ પણ આવી જતાં પતિ-પત્નીએ આવેશમાં આવી માતા-પુત્રને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...