મકાન માલિકની ગુંડાગીરી:દહેજના જોલવા ગામે ભાડુઆતે ભાડું નહિ આપતાં મકાન માલિકે માર માર્યો, બે સાગરીતો સાથે મળી રૂ. 1.10 લાખની લૂંટ મચાવી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડુઆતની દુકાને જઇ મારામારી કરી રોકડા 65 હજાર અને સોનાની ચેઇન તફડાવી લીધી
  • ભાડુઆતને 108 એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • દહેજ પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

દહેજના જોલવા ગામે ભાડુઆતે ભાડું નહિ ચુકવતાં મકાન માલિકે ભાડુઆતની કરીયાણાની દુકાને 2 સાગરીતો સાથે ધસી જઇ મારામારી કરી હતી. તેમજ ભાડુઆત પાસેથી રોકડા રૂ. 65 હજાર અને સોનાની ચેઇન મળીને કુલ રૂ. 1.10 લાખની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી.

મૂળ ગીર ગઢડાના કાંધી ગામના અને હાલ દહેજના જોલવા ગામની સાંઇદર્શન સોસાયટીમાં આવેલા મકાન નંબર-108માં ભાડે મકાન રાખી રહેતા 27 વર્ષીય ત્રિભોવન ભીખાભાઇ સાખંટ ગામમાં શ્રી ગણેશ કરિયાણા સ્ટોર્સના નામે દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરે છે. દરમિયાન ગત 29 નવેમ્બરના રોજ સાંજે યુવાન પોતાની દુકાન પર હતો તે સમયે મકાન માલિક નરેશ ખૈની, જીતુ સાવલીયા અને અન્ય એક ઇસમ દુકાન પર ધસી આવ્યા હતા અને મકાનના ભાડા મુદ્દે ઝઘડો કરી તાત્કાલીક ભાડુ માંગ્યું હતું.

ભાડૂઆતે ભાડાની રૂ. 43 હજારથી વધુની રકમ સગવડ કરીને આપવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા મકાન માલિક અને તેના 2 સાગરીતોએ ત્રિભોવન સાખંટને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ દુકાનદારના ખિસ્સામાં રહેલા રોકડા 65 હજાર તેમજ તેણે પહેરેલી સોનાની ચેઇન મળીને કુલ રૂ. 1.10 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઢીકાપાટુના મારને પગલે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી ભાડુઆતે આ ઘટના અંગે દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...