જંબુસરના કલક ગામના માત્ર ધો. 10 પાસ વ્યક્તિએ ભણેલા-ગણેલા લોકોને પણ વિચારતા કરી દે તેવો દેશી જુગાડ અપનાવ્યો છે. અવાર-નવાર વીજળી ડૂલ થઈ જતાં ગ્રામજનો લોટ વગર ન રહે તે માટે તેઓએ ટ્રેક્ટરની મદદથી અનાજ દળવાની ઘંટી શરૂ કરી છે.
ગામમાં અવાર-નવાર વીજળી ડૂલ થઈ જતી હતી
કલક ગામના દોલતસિંહ રાજ અનાજ દળવાની ઘંટી ચલાવવાનો વ્યવસાય કરે છે. તેઓ વધુ ભણેલા નથી. તેઓ માત્ર 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે અનાજ દળવાની ઘંટી વીજળી વગર ચલાવવા તેઓએ દેશી જુગાડ શોધી કાઢ્યો છે. કલક ગામમાં અવાર-નવાર વીજળી ડૂલ થઈ જતી હતી અને તેના કારણે તેઓને પણ ખૂબ નુકસાન પહોંચતું હતું. ઉપરાંત ગામના લોકોને પણ સમયસર દળેલું અનાજ મળી શકતું ન હતું.
દેશી જુગાડ અપનાવી ટ્રેક્ટરમાં ઘંટી શરૂ કરી
આ સમસ્યાને લઈ દોલતસિંહ રાજને એક દિવસ વિચાર આવ્યો કે, જો 10 હોર્સ પાવરની મદદથી ઘંટી ચાલી શકતી હોય તો તેઓ પાસે 10 હોર્સ પાવરથી વધુની ટ્રેક્ટરની મોટર છે. જેથી દોલતસિંહ રાજે પોતાનો દેશી જુગાડ શરૂ કરી દીધો હતો. તેઓએ ટ્રેક્ટરમાં થોડું મોડિફિકેશન કરી ઘંટી શરૂ કરી હતી અને તેમાં સફળતા પણ મળી છે.
વીજળીની સમસ્યા વચ્ચે પણ લોટ મળી રહે છે
ટ્રેક્ટરમાં ડીઝલ નાખી તેના એંજિનની મદદથી તેઓ અનાજ દળવાની ઘંટી ચલાવી રહ્યા છે. ત્યારે હાલ ગામમાં ગમે ત્યારે વીજળી ચાલી જાય તો પણ ગામ લોકોને તેઓ અનાજ દળી આપે છે. જેથી ગામ લોકોને વીજળીની સમસ્યા વચ્ચે પણ આરામથી લોટ મળી રહે છે. જેની દોલતસિંહ રાજે ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.