તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોહા ગરમ હૈ, માર દો હથોડા:લુહારીકામમાં પણ મહિલાઓનો દબદબો, ભરૂચમાં પુરુષની સમોવડી બની મહિલાઓ કરે છે ઓજારો ઘડવાનું કામ

ભરૂચ3 મહિનો પહેલાલેખક: જીગર દવે
  • દેશી પદ્ધતિથી ઓજારો બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે
  • પરિવારની લુહારની દુકાનનું મહિલાઓ દ્વારા સંચાલન

ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ, જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે. ત્યારે ભરૂચમાં વસતા લુહાર પરિવારની મહિલાઓ એક અનોખા અને અત્યંત શ્રમ માગી લેતા વ્યવસાય સાથે જોડાઈને પોતાના પરિવારના ગુજરાન માટે પુરુષ સમોવડી બની લોખંડનાં ઓજાર બનાવવાનો અનોખો વ્યવસાય કરી રહી છે.

ગ્રાહકની માગ મુજબ બનાવી આપે છે ઓજાર

હાલમાં વિશ્વમાં આધુનિકતા સાથે ચાલી રહેલા ઔદ્યોગિકીકરણથી ઘણા પરિશ્રમ અને મહેનતવાળા કામ એકદમ સરળતાથી થઇ જાય છે. એમાં વાત કરીએ તો સ્ટીલ કંપનીઓ પણ લોખંડની ઉત્પાદક ચીજવસ્તુઓ બનાવવા માટે બધું ઓટોમેટિક મશીન પર ઉત્પાદન કરતી હોય છે, જ્યાં ઓછા પરિશ્રમે ઘણું ઉત્પાદન કરી શકાય છે, પરંતુ આ આધુનિક યુગમાં હજુ પણ ભરૂચના મકતમપુર પાસે મુખ્ય માર્ગને અડીને આવેલી એક નાનકડી ઝૂંપડીમાં લોખંડને ગરમ કરી હથોડા વડે ટીપી આકાર આપીને વેસ્ટ લોખંડમાંથી ગ્રાહકના આગ્રહ અને માગ અનુરૂપ ઓજાર બનાવી આપવાનું કામ દશરથભાઈ લુહાર કરી રહ્યા છે. આ લુહારીકામના વ્યવસાયમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દશરથ લુહારના પરિવારની મહિલાઓ પણ પુરુષના સમતોલનમાં લુહારીકામ કરી રહી છે.

પુરુષોની માફક મહિલાઓ પણ લુહારીકામ કરે છે

ભરૂચના મકતમપુર વિસ્તારમાં 40-50 વર્ષ પૂર્વે રાજસ્થાનથી હિજરત કરી લુહાર પરિવાર ભરૂચ ખાતે આવી સ્થાયી થયો છે. આ લુહાર પરિવારમાં ઘણા બધા સભ્યો એક છત નીચે એક ઘરમાં રહે છે. લુહાર પરિવારનો મુખ્ય વ્યવસાય લુહારીકામ છે. આ એક જ વ્યવસાય પર આ લોકો પોતાના જીવનનું ગુજરાન કરી રહ્યા છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો હોવાને કારણે ઘરમાં રહેતા વડીલ પુરુષો સામાજિક અથવા પારિવારિક અથવા કંઈપણ કામ અર્થે માદરે વતન રાજસ્થાન જતા હોય છે, ત્યારે આ પરિવારની લુહારની દુકાનનું મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

આ મહિલાઓ બાળપણથી પોતાનાં માતા-પિતા સાથે દુકાને બેસતી હોવાને કારણે તેમને પણ આ લુહારીકામના વ્યવસાયનો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે. આ લુહારીકામનો અનુભવ મહિલાઓને હાલમાં લગ્ન થયા પછી પણ પોતાના સાસરામાં કામ લાગી રહ્યો છે. એક જ વ્યવસાય અને ખાનાર વધુ સભ્યો હોવાને કારણે જ્યારે પણ ઘરના વડીલ પુરુષો કામ અર્થે અઠવાડિયા જેવું બહાર જાય છે ત્યારે આ મહિલાઓ લુહારીકામની કમાન સંભાળી લે છે. આવનારા ગ્રાહકો માટે લોખંડને ગરમ કરી વજનદાર હથોડા વડે ટીપી છીણીથી કાપી ગ્રાહકની માગણી મુજબ આકારનું લોખંડનું ઓજાર તૈયાર કરી આપે છે.

મોટે ભાગે તો લુહારીકામ પુરુષો માટેનું હોય છે, કારણ કે એમાં ઘણો પરિશ્રમ કરવો પડે છે અને મોટા હથોડાનો કામ માટે ઉપયોગ થાય છે તથા તપતપતી આગમાંથી ગરમ લોખંડ કાઢીને હથોડાથી ગરમ લોખંડને આકાર આપવો, જે મહિલાઓ માટે ઘણું મુશ્કેલ કામ હોય છે, પરંતુ આ મહિલાઓ આ જ હથોડા અને છીણી વડે ગરમ લોખંડથી દાઝવાના ભય વગર લુહારીકામ કરી પરિવારના પુરુષોને મદદરૂપ થાય છે.

કોરોનાકાળમાં કારીગરોની મુશ્કેલી વધી

કોરોનાકાળમાં મંદીના માહોલ વચ્ચે આ લુહારીકામથી પોતાના મોટા પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું કઠિન અને તકલીફભર્યું બન્યું છે. આ માટે દશરથભાઈ લુહારનો પરિવાર સરકાર પાસે લૉન માટે વચ્ચે આવતી અડચણો દૂર કરી આત્મનિર્ભર લોન માટેની મદદ માગી રહ્યો છે. આ લુહારીકામનો વ્યવસાય વેગવંતો અને ધબકતો થાય અને પરિવાર સરળતાથી જીવન જીવી શકે એવું આયોજન થાય એ માટે સરકાર પાસે લૉન માટે દયાની ભીખ માગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...