નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચના નગરજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. પાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા લોકોના ઘરે જ પાલિકા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે.
ભરૂચ નગરમાં પાણીનો કકળાટ સામે આવ્યો છે. ઉનાળાની બળબળતી ગરમીમાં શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પાણી નહી મળતા મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હૈયા વરાળ ઠાલવી હતી. વર્ષો જૂની પાણીની લાઈનોના કારણે પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી. મોટર મુકવા છતાં પાણી નહી ચઢતું હોવાની મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટરો, પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છતાં પરિણામમાં ટીપું પાણી પણ મળ્યું નથી.
સ્થાનીકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા તંત્ર નવો રસ્તો હોવાથી તેને ખોદી લાઈનો બદલવા માંગતું નથી. હાલ તો પાલિકા તંત્રે તેમને સ્થળ તપાસ કરી કામ શરૂ કરવાની ખાતરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.