ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ કોરોનાના કેસોમાં ભડકો થયો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ સામે આવી રહ્યાં છે. વિદેશથી આવેલાં બે લોકોના ઓમિક્રોનના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનો ઓમિક્રોનનો કુલઆંક 4 પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં સોમવારે કોરોનાના એક સાથે નવા 78 કેસ નોંધાતાં કોરોના મહામારી હવે આક્રમક બની હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાનો કહેર શરૂ થઇ ગયો છે. ત્યાં હવે ઓમિક્રોન પણ ધીમેધીમે માથું ઉચકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલાં વધુ બે વ્યક્તિઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
અગાઉ ઝાડેશ્વરના એક યુવાન અને ટંકારિયાની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ભરૂચ શહેરની જ બે વ્યક્તિ જે પૈકી એક યુકેથી જ્યારે બીજી દુબઇથી બે સપ્તાહ પહેલાં ભરૂચ આવી હતી. તેમના ઓમિક્રોનના સેમ્પલ લઇ તેમને હોમ આઇસોલેટ કરાયાં હતાં. જોકે, 10 દિવસ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લખનિય છે કે, બન્નેની હાલત સામાન્ય હોઇ તેમને એકાદ-બે દિવસમાં રજા આપવામાં આવશે.
જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 78 કેસ નોંધાયાં હતાં. જે પૈકીના 44 કેસ અંક્લેશ્વર અને 33 કેસ ભરૂચમાં જ્યારે 1 કેસ વાલિયામાં નોંધયો હતો. જેના પગલે ત્રીજી લહેરમાં કોરોનાનો કુલ આંક 442 પર પહોંચી ગયો છે. સોમવારે 8 લોકો કોરોનામાથી સાજા થતાં અત્યાર સુધીમાં 85 લોકો સ્વસ્થ્ય થયાં છે. જ્યારે બાકીના 357 પૈકીના 338 લોકો હોમઆઇસોલેશનમાં જ્યારે 19 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.