ભરૂચ શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે સાબુગઢ વિસ્તારમાં 19 કરોડના અંદાજીત ખર્ચે બનાવવામાં આવેલાં આવાસો ભેંકાર પડી રહેતાં જર્જરીત બની ગયાં છે. ઝૂંપડામાં રહેતાં લોકો 70 હજાર રૂપિયાની માતબર રકમ કયાંથી લાવે તે એક સવાલ હોવા છતાં 19 કરોડના ખર્ચે 11 બ્લોક ઉભા કરી દેવાયાં છે પણ આ આવાસોમાં લોકો એક રાત પણ પસાર કરે તેવી સ્થિતિ નથી. સાબુગઢ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીને હટાવી તેના સ્થાને 10 વર્ષ પહેલાં રાજીવ આવાસ યોજના હેઠળ 512 આવાસો બનાવવામાં આવ્યાં હતાં.
આ આવાસો ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને ફાળવવાના હતાં. આવાસ માટે લાભાર્થીએ 70 હજાર જેટલી માતબર રકમ ભરવાની થતી હતી પણ ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો આટલી રકમ કયાંથી લાવે તે પણ એક સવાલ છે. શરૂઆતના તબકકામાં કેટલાક લોકોએ બેંકોમાંથી લોન લઇને આવાસો લઇ પણ લીધાં પણ બેંકના હપ્તા ન ભરાતાં આવાસો ખાલી કરવાની ફરજ પડી છે. હાલ આ આવાસો એકદમ બદતર હાલતમાં છે. આવાસોનું નિર્માણ કરનારા કોન્ટ્રાકટરને 14 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી હોવાનું પાલિકામાંથી જાણવા મળી રહયું છે.
આવાસો ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યાં
રાજીવ આવાસ યોજનાના મકાનો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં ઉપયોગમાં લેવાય રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે એટલું જ નહીં આવાસના મકાનો માં ઉપર રહેલા મકાનોના મળ મૂત્ર પણ લોકોના મકાનોમાં ગળી રહ્યા છે. આવાસોની આસપાસ ગંદકી ફેલાતાં રોગચાળાની ભિતિ સેવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.