દિવાળી પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં અને ડીઝલમાં એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી દેતા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થયો હતો. જેના કારણે લોકોને દિવાળીમાં મોટી રાહત મળી હતી. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડિઝલમાં ભાવ ઘટાડતા રાજ્યમાં પેટ્રોલમાં રૂપિયા 12 જ્યારે ડિઝલમાં રૂપિયા 17નો ઘટાડો થયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પેટ્રોલનો નવો ભાવ 95.63 રૂપિયા નોંધાયો છે. જ્યારે ડિઝલનો ભાવ 89.62 રૂપિયા નોંધાયો છે.
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો. આ સાથે રાજ્યમાં ઓવરઓલ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 12 તો ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા 17નો ઘટાડો થયો હતો.
નવો ભાવ મધરાતથી લાગુ કરવામાં આવ્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને પણ વેટના દરમાં ઘટાડો કરવા જણાવ્યું છે. પેટ્રોલ-ડીઝલના નવા ભાવ મધરાતથી જ લાગુ થઈ ગયા છે. આ નિર્ણયથી કેન્દ્રની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ પેટ્રોલનો ભાવ રૂપિયા 95.63 જ્યારે ડિઝલનો ભાવ 89.62 રૂપિયા નોંધાયો છે. જેને લઈ લોકોને પણ મોટી રાહત થઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.