વાસી ઉત્તરાયણ:ભરૂચ જિલ્લામાં પતંગ રસિકોએ વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી, આકાશ રંગબેરંગી પતંગો સાથે છવાયું

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકાશ રંગબેરંગી પતંગો, આતશબાજી, ગુબ્બારાથી છવાતા દિવાળી જેવો માહોલ
  • ધાબા પરથી પટકાવાની બે ઘટના બની જેમાં એકનું મોત

ભરુચ શહેર અને જિલ્લામાં આજરોજ વાસી ઉત્તરાયણની પતંગ રસિકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લામાં પતંગ પર્વની આબાલ, વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ વાસી ઉત્તરાયણે પણ આકાશી યુદ્ધ અને સાંજે આતશબાજી યથાવત જોવા મળી હતી. ઉત્તરાયણની સમી સાંજે ભરૂચનું આકાશ રંગબેરંગી પતંગો સાથે ગુબ્બારા, બલૂન અને આતશબાજીથી છવાઈ જતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

ધાબા ઉપર કાઇપો છે લપેટ લપેટ, મ્યુઝિક સિસ્ટમ, ભૂંગળાના નાદ વચ્ચે સતત બીજા દિવસ વાસી ઉત્તરાયણ ઉપર પણ ગગનમાં પતંગોત્સવ પુરબહારમાં જામ્યો હતો. શનિવારે પણ પતંગ રસિયાઓ મિત્રો અને પરિવાર સાથે મનમૂકીને વાસી ઉત્તરાયણનું પર્વ ઉજવ્યું હતું. તો ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ધાબા પરથી પટકાવાની બે ઘટનામાં એકનું મોત નીપજયું હતું જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી

નેત્રંગ ખાતે શુક્રવારે બપોરે 12 વાગ્યાના અરસામાં 42 વર્ષીય સુરેશ સંજયભાઈ વસાવા લાલ મંટોડી પ્રાથમિક શાળાના ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યાં હતાં. પતંગ ચગાવતા યુવાને સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. પતંગોત્સવનો પ્રસંગ યુવાનનું મોત થતા શોકમાં ફેરવાઈ ગયો હતો. નેત્રંગ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામમાં રહેતો રાકેશ સી.પટેલ ધાબા પરથી પટકાતાં તેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...