વૃદ્ધોના રસીકરણમાં તંત્રનું નિરસીકરણ:ભરૂચ જિલ્લામાં કોરોનાથી 1550 વૃદ્ધોના મૃત્યુ છતાં 60+ના 4.09 લાખ પૈકી 2.15 લાખનું જ વેક્સિનેશન

ભરૂચ/અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત જાન્યુઆરીમાં જિલ્લામાં પોલિયો રસિકરણમાં 2.23 લાખ બાળકો માટે 964 બુથ બીજી તરફ 12.29 લાખ લોકોના વેક્સિનેશન માટે માત્ર 267 બુથ
  • વેક્સિનના પ્રથમ ડોઝમાં 52.39 ટકા અને બીજા ડોઝમાં 67.25 ટકા જ્યારે 18+માટે માત્ર 7.59 ટકા જ કામગીરી કરાઇ

ભરૂચ જિલ્લામાં કોરોનાની વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. વેક્સિનેશન પહેલાં ચરણમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વોરિયર્સ બાદ બીજા ચરણમાં સિનિયર સિટિઝનોનો સમાવેશ કરાયો હતો. જોકે, વેક્સિનેશન માટેની અપુરતી માહિતી અને મોટાભાગના વૃદ્ધો વેક્સિન લેવા માટે સેન્ટર સુધી પહોંચવા માટે અસમર્થ હોવાને કારણે જિલ્લાના 4.09 લાખ સિનિયર સિટિઝન પૈૈકી અત્યાર સુધીમાં માત્ર 2.15 ટકા વૃદ્ધોનું જ વેક્સિનેશન થઇ શક્યું છે. કોરોના કાળમાં અંદાજે 1550 જેટલાં વૃદ્ધોનું મોત થયું છે. ત્યારે વૃદ્ધો માટે અલાયદી અને ઘરે જ વેક્સિનેશન થઇ શકે તેવી વ્યસ્થા ઉભી કરવી જરૂરી બની છે.

જિલ્લામાં કોરોના મહામારીએ અત્યંત ગંભીર સ્થિતી સર્જી હતી. કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ થતાં મહામારી સામે લડત માટે એક આશા બંધાઇ હતી. કોરોનાની વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં પહેલાં હેલ્થ વર્કર તેમજ ફ્રન્ટ લાઇન વર્કરને સમાવવામાં આવ્યાં હતાં. જે બાદ સિનિયર સિટિઝનની વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ભરૂચ જિલ્લાની કુલ 15.51 લાખની વસ્તીમાં 4.09 લાખ સિનિયર સિટિઝનોનો સમાવેશ થયો છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર 2.15 લાખ સિનિયર સિટિઝનોને જ પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 71 હજાર સિનિયર સિટિઝનોને બીજો ડોઝ અપાયો છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની યોગ્ય જાહેરાતો કરવામાં નહીં આવતી હોવાને કારણે ઉપરાંત કેટલાંય સિનિયર સિટિઝન જે તે સેન્ટર સુધી જવામાં સક્ષમ ન હોવાથી કે પછી વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા બાદ સંક્રમિત થવાની બીકે સિનિયર સિટિઝનોનું વેક્સિનશન ઓછું થયું હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે દર વર્ષે થતી પોલિયો રસીકરણના બેઝનો ઉપયોગ કરી ઘરે ઘરે જઇને કે યોગ્ય જાહેરાત કરીને વૃદ્ધોનું વેક્સિનેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વેક્સિનશનના સ્લોટનું રજિસ્ટ્રેશન કરાવવું લોકો માટે માથાનો દુ:ખાવો
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વેક્સિનેશન માટે 267 જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવ્યાં છે. જોકે, વેક્સિનેશન માટે પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોવાથી લોકો માટે તે પ્રક્રિયા માથાનો દુ:ખાવો સાબિત થઇ રહી છે. વેક્સિનના રજિસ્ટ્રેશન વેળાં તેનું સર્વર યોગ્ય રીતે ચાલતું જ ન હોવાના અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ઉપરાંત સેન્ટર પર સ્લોટમાં નંબર ન લાગવા સહિતના પ્રશ્નો સર્જાતાં કેટલીકવાર એક તાલુકાના વ્યક્તિ બીજા તાલુકાઓમાં જઇને વેક્સિન લગાવતાં હોય છે.

વેક્સિન સેન્ટર પર જવાય તેવી સ્થિતિ નથી, વૃદ્ધોને ઘરે જ વેક્સિન મળે તેવી સુવિધા કરો

મારી ઉમર 70 વર્ષની છે. હું છેલ્લા 4 વર્ષથી પથારી વશ છું. મારાથી કોરોનાની વેક્સીન લેવા સેન્ટર પર જવાઈ તેવી સ્થિતિ પણ નથી. મારી પત્ની ઉંમર પણ આજે 68 વર્ષની થઇ છે. જેને હાલમાં જ રસી મુકાવી છે અને તે પણ લાઈનમાં ઉભા રહીને બીમારી વચ્ચે વેક્સિન સેન્ટર પર વેક્સિન લેવું મુશ્કેલ છે. ત્યારે તંત્રએ વરિષ્ઠ નાગરિકો જેઅો સેન્ટર સુધી રસી મુકાવવા માટે આવી શકતા નથી. તેવા લોકો માટે ઘર બેઠા વેક્સિન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. > સુંદરભાઈ રાણા, અંકલેશ્વર

જિલ્લામાં અત્યાર સુધી કુલ વસતિના માત્ર 26.48 ટકા લોકોનું જ વેક્સિનેશન કરાયું
ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા કુલ 12.29 લાખની વસ્તીને વેક્સિનેશનના ટાર્ગેટ સામે હજી સુધી માત્ર 3.30 લાખ એટલે કે માત્ર 26.48 ટકા જ વેક્સિનેશન કરાયું છે. જેમાં 13209 હલ્થ વર્કર પૈકી 13095 અને 39969 ફ્રન્ટ લાઇન વોરિયર્સ પૈકી 39670 તેમજ 4.09 લાખ સિનિયર સિટિઝન પૈકી 2.15 લાખ અને 18થી 44 વયના 7.66 લાખ પૈકી માત્ર 62 હજાર લોકોનું જ વેક્સિનશન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...