ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારીએ પુન: માથું ઉચક્યું છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ સાથે જિલ્લાનો કુલ આંક 62 પર પહોંચી ગયો છે. જેમાં પણ હાલમાં 27 એક્ટિવ કેસ છે. જે પૈકી હાલમાં 26 લોકો હોમ આઇસોલેટ છે. જ્યારે 1 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં વધી રહેલાં કેસોથી આગામી દિવસોમાં સ્થિતી વધુ વિકટ બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં લોકડાઉન બાદ માંડ લોકોની ગાડી પાટાપર આવી છે. ત્યારે હવે જિલ્લામાં કોરોના મહામારી પુન: માથુ ઉંચક્યું છે.
છેલ્લાં કેટલાંક સમયથી રાજકિય મેળાવડા સહિત લોકો બિન્દાસ્તપણે કોવિડ ગાઇડ લાઇનને નેવે મુકી દેવાઇ છે. જેના પગલે કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જિલ્લામાં આજે મંગળવારે નવા 7 કેસ નોંધાતાં 5 જૂન બાદ જિલ્લાનો કોરોનાનો આંકડો 62 પર પહોંચી ગયો છે.
મંગળવારે નોંધાયેલાં કેસોમાં 3 કેસ ભરૂચમાં, અંક્લેશ્વરમાં 2 તેમજ જંબુસર અને ઝઘડિયામાં 1-1 કેસ નોંધાયો હતો. અત્યાર સુધીના 62 પૈકી 35 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે હાલમાં 27 એક્ટિવ કેસ છે. જે પૈકી હાલમાં 26 લોકો હોમ આઇસોલેટ છે. જ્યારે 1 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વરસાદી માહોલને કારણે લોકો મૂંઝવણમાં
જિલ્લામાં હાલ વરસાદી ઝાપટાં પડી રહ્યાં હોઇ વાતાવરણ બદલાયું છે. વરસાદ ટાણે ઠંડક અને બાદમાં બફારો અને ગરમીના કારણે વિશમ વાતાવરણને કારણે લોકોને શરદી-ખાંસીની પણ સમસ્યા ઉભી થઇ છે. ત્યારે અસરગ્રસ્ત દર્દીઓ પોતાને કોરોનાની અસર છે કે વાયરલ ઇન્ફેક્શન થયું છે તેની મુંજવણમાં આવી ગયાં છે.
કોરોના થાય તો હોમ આઇસોલેટ થવાની ચિંતા
દિનપ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે લોકોમાં હાલ તેમને કોરોના થાય તો તેની સારવારને લઇને પણ ચિંતા ઉભી થઇ છે. રિપોર્ટ બાદ મોટાભાગના લોકો હોમ આઇસોલેટ થઇ રહ્યાં છે. જોકે, સાથે સાથે નોકરિયાત વર્ગને રજાઓ પડતાં રોજગારી છીનવાઇ જવાની પણ ભિતી સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.